Junagadh , તા.28
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવશે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તૈયાર થયેલા વિકાસ કાર્યો તેમજ જિલ્લાના અન્ય વિભાગોના મહત્વના વિકાસ વિકલ્પોની મુખ્યમંત્રી ભેટ આપશે.
ગુજરાત સરકાર ધ્વારા વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં અને શહેરમાં અનેક વિકાસ પ્રકલ્પો પ્રગતિશીલ છે.
જેમાં રોજ સમય સાંજે 4ઃ00 કલાકે કૃષિ ઓડીટોરીયમ હોલ,કૃષિ યુનીવર્સીટી, મોતીબાગ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે જુનાગઢ જિલ્લા અને શહેરના રૂ.76 કરોડના ખર્ચે વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તેમજ રૂ.145 કરોડના ખર્ચે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.આમ,અંદાજીત 221 કરોડના ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવામાં આવશે.
આ વિકાસ પ્રકલ્પોમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત,ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ,રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,મહિલા અને બાળ વિકાસ વિભાગ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,પ્રાથમિક શિક્ષણ વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પો જેમાં જુનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ડેવલોપમેન્ટ, હોકર્સ ઝોન, સી.એચ.સી.બિલ્ડીંગ, શાળાના ક્લાસ રૂમ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી સપ્લાયની ટ્રાન્સમીશન લાઈનની કામગીરી, ઉંચી ટાંકી, સંપ, પમ્પીંગ સ્ટેશન તથા કમ્પાઉન્ડ વોલની કામગીરી, ઈમરજન્સી રેસ્ક્યુ વ્હીકલની ખરીદી, કેશોદમાં રૂ. 10 કરોડના ખર્ચે જીલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન ડેવલોપમેન્ટ, રેન બસેરાના કામો, કોમ્યુનીટી હોલ, પેવર બ્લોક, ભૂગર્ભગટર,સોલાર રૂફ ટોપ, માઈનોર બ્રીજના કામો,રીસર્ફેસિંગના કામો,સી.સી.રોડના કામો,રીચાર્જ બોરના કામો, સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો, વાતાનુકુલિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ, વોલીબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટ, સિન્થેટીક ટેનીસ કોર્ટ, સાઈટ ડેવલપમેન્ટ (આંતરિક રોડ-રસ્તા,પેવર વર્ક, લેન્ડ સ્કેપીંગ, ઈરીગેશન નેટવર્ક, બાહ્ય વોટર સપ્લાય, ઇલેક્ટ્રિક તથા સ્ટ્રીટ લાઈટના કામો વગેરેનો સમાવેશ થાય છે.
તમામ વિકાસ પ્રકલ્પો દ્વારા શહેરીજનોને નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટ થકી એક વધારાનું રમણીય સ્થળની પ્રાપ્તિ થશે, વોટર ટ્રીટમેન્ટ દ્વારા ફિલ્ટર પાણીની સુવિધા,પાણીના સ્ટોરેજ ક્ષમતામાં વધારો,હોકર્સ ઝોન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને કાયદેસર ઓળખ અને વ્યવસાયની સુરક્ષા પ્રાપ્ત થશે તથા શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ જેવી કે,લાઈટ,પાણી અને સ્વચ્છતાની સગવડ મળી રહેશે,ફાયર સેફટી વાહનો અને સાધનો દ્વારા ઓછા સમયમાં ઝડપી બચાવ કામગીરી,સોલાર રૂફ ટોપના કામો થકી મહાનગર પાલિકા,જૂનાગઢને વીજળી બીલ ભરવામાં આર્થિક ફાયદો થશે.
શહેરના વોર્ડ નં. 1 થી 15માં સી.સી.રોડ અને પેવર બ્લોકના કામોથી શહેરીજનોને રોડ-રસ્તાની આધુનિક સુવિધાઓ વગેરે લાભ થશે. તેમજ જુનાગઢ જીલ્લામાં રેન બસેરાના કામો,કોમ્યુનીટી હોલ,પેવર બ્લોક, ભૂગર્ભગટર, સોલાર રૂફ ટોપ, માઈનોર બ્રીજના કામો, રીસર્ફેસિંગના કામો, સી.સી.રોડના કામો, રીચાર્જ બોરના કામો, સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો આ રીતે વિવિધ કામો દ્વારા જુનાગઢ શહેર તથા જીલ્લા નાગરિકોને અનેક સુવિધાઓ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીનું પીટીસી હેલીપેડ ખાતે બપોરના 4 કલાકે સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ નરસિંહ મહેતા સરોવરના શહીદ સ્મારક ખાતે તકતી અનાવરણ કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે મહાનગરપાલિકાના ફાયર સેફટીના વાહનોનું પણ લોકાર્પણ કરી લીલીઝંડી આપશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરનું નિરીક્ષણ પણ કરશે, ત્યાર બાદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ શહેર અને જિલ્લાના વિવિધ જનસુખાકારી અને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સાસણ જવા માટે રવાના થશે.

