New Delhi તા. 29
સોના-ચાંદીના ભાવમાં બેફામ તેજી અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરવા લાગી છે. ભાવ રોજેરોજ નવી ઉંચાઇ બનાવી રહ્યા છે. આજે નવો ઇતિહાસ રચાયો હતો. કોમોડીટી એકસચેંજમાં ચાંદી 4,00,000ને પાર કરી ગઇ હતી જયારે સોનુ 1.79 લાખને વટાવી ગયું હતું.
સોના-ચાંદીના ભાવમાં આજે વધુ જોરદાર અને રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. એક જ દિવસમાં સોનુ 10,000 ઉંચકાયું હતું જે કદાચ એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો.
કોમોડીટી એકસચેંજમાં રૂા. 9682ના ઉછાળાથી 1,75,597 બોલાતુ હતું જે ઉંચામાં 1,79,000 થયું હતું. વિશ્વબજારમાં સોનુ 5600 ડોલરની નજીક પહોંચી ગયું હતું. ઉંચામાં 5591 ડોલર થઇને કુલ 127 ડોલરના ઉછાળાથી 5541 ડોલર સાંપડયું હતું.
આ જ રીતે ચાંદીએ પણ નવો ઇતિહાસ રચ્યો હતો. કોમોડીટી એકસચેંજમાં ચાંદીનો ભાવ 4,00,000ને ક્રોસ કરી ગયો હતો. ગત રાત્રે જબરદસ્ત તેજી આજે પણ આગળ ધપી હતી અને શરૂઆતથી જ સડસડાટ ભાવ ઉંચે ચડતા રહ્યા હતા.
વિશ્વબજારમાં 117.32 ડોલરનો ભાવ સાંપડયો હતો. કોમોડીટી એકસચેંજમાં 17,600ના ઉછાળાથી 4,03,000નો ભાવ હતો જે ઉંચામાં 4,07,756 થયો હતો. અભુતપૂર્વ તેજીના પગલે ઝવેરી બજારમાં સોંપો પડી ગયો છે અને ભાવ કયાં જઇને અટકશે તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.
સોના-ચાંદી માટે તમામ કારણો તેજીના જ બની રહ્યા છે અને તેમાં નવા નવા કારણોનો ઉમેરો થઇ રહ્યો છે. અમેરિકાએ ઇરાનને અણુબોંબ કરતા પણ ખતરનાક હુમલો કરવાની ચેતવણી આપતા તેજીને નવું કારણ મળ્યું હતું. અમેરિકાની ધમકી સામે ઇરાને પણ વળતા હુમલાની ચેતવણી ઉચ્ચારતા વધુ તિવ્ર અસર જોવા મળી હતી.
સોના-ચાંદીમાં વેપારીઓના કહેવા પ્રમાણે અભુતપૂર્વ તેજી અને રેકોર્ડબ્રેક ભાવોને કારણે રીટેલ માર્કેટ પણ હવે ઠપ્પ જેવી થવા લાગી છે. રોજેરોજ નવા ઉંચા ભાવને કારણે ગ્રાહકો પણ આવતા અટકવા લાગ્યા છે. લગ્નની સિઝન ટાણે જ ખરીદીને મોટુ ગ્રહણ લાગ્યું છે.
સોના-ચાંદી ઉપરાંત ક્રુડમાં પણ વધતા ભૌગોલિક ટેન્શનના કારણે તેજી આગળ ધપવા લાગી છે. આજે વર્લ્ડ માર્કેટમાં બ્રેન્ટ ક્રુડ 0.79 ડોલરના ઉછાળાથી 69.19 ડોલર થયું હતું જે હવે 70 ડોલર વટાવી શકે છે. ક્રુડની તેજીથી ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રને ઝટકો લાગવાની પણ આશંકા વ્યકત થઇ રહી છે. સોના-ચાંદીમાં અભુતપૂર્વ તેજી વચ્ચે કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો વધુ દબાણ હેઠળ આવી ગયો હતો અને નવા તળીયે સરકી ગયો હતો. આજે પ્રારંભિક કામકાજમાં ડોલર સામે રૂપિયો 9રની નજીક પહોંચી ગયો હતો અને 91.96 સાંપડયો હતો.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વૈશ્વિક ઘટનાક્રમો રૂપિયા પર દબાણ સર્જી રહ્યા છે. ભારતીય શેરબજારમાંથી વિદેશી નાણા સંસ્થાઓ દરરોજ કરોડો રૂપિયા પાછા ખેંચી રહી છે ઉપરાંત આયાત મોંઘી થવાના કારણોસર વધુ ડોલરની જરૂરીયાત ઉભી થશે તે કારણે પણ રૂપિયો સતત નીચે ઉતરી રહ્યો છે. સોનાના ભાવમાં અભુતપૂર્વ અને એકધારી તેજીને કારણે જવેલર્સોએ હવે બુલીયનની ખરીદીને બ્રેક મારી દીધી હોવાના નિર્દેશ સાંપડયા છે. રીટેલ ગ્રાહકો મોટાભાગે જુનુ સોનુ પરત આપીને નવા દાગીના ખરીદી કરી રહ્યા હોવાથી વેપારીઓએ બુલીયનની ખરીદી અટકાવી દીધી છે.
બુલીયન ટ્રેડીંગ કંપની જે.જે.ગોલ્ડહાઉસના હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, બુલીયનનું વેંચાણ 70 ટકા જેટલું ઘટી ગયું છે. કારણ કે સોનામાં ચાલુ મહિનામાં જ 3પ થી 40 ટકાની તેજી થઇ ગઇ છે. જુનુ સોનુ પરત આવતુ રહ્યું છે અને તેમજ વેપારીઓના વ્યવહાર સચવાઇ જતા હોવાથી જવેલર્સોએ નવા સોનાની ખરીદીમાં ઘણો કાપ મુકી દીધો છે.
પ્રવર્તમાન ચિત્રને લક્ષ્યમાં લેવામાં આવે તો સોનામાં હવે થતી ખરીદી મોટા ભાગે ઇન્વેસ્ટમેન્ટરૂપી છે. ગ્રાહકો મોટા ભાગે સોનાના બિસ્કીટ, લગડી કે સિકકાની જ ખરીદી કરી રહ્યા છે. જે ઇન્વેસ્ટમેન્ટરૂપી હોવાનું સ્પષ્ટ બને છે.
જાણકારોએ જણાવ્યું કે, અમેરિકાએ વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાનું ટાળતા તેજીને બમણો વેગ મળ્યો હતો. આ સિવાય ભૌગોલિક ટેન્શન, યુધ્ધના ભણકારા જેવા કારણો ઉભા જ છે.
ચાલુ વર્ષે વૈશ્વિક સોનુ 6000 ડોલરને આંબવાનું અનુમાન વ્યકત થતું હતું પરંતુ છેલ્લા દિવસોમાં જે રીતે ભાવો વધે છે તે જોતા ટુંકાગાળામાં જ તે અનુમાન સિધ્ધ થઇ જવાની શકયતા છે.

