New Delhi,તા.29
ભારતીય રેલવેએ પોતાની બે દાયકાથી ચાલી આવતી પરંપરાને હવે બંધ કરી છે. આ અંતર્ગત નિવૃત્ત થનારાં રેલ કર્મચારીઓને આપવામાં આવતું ચમકદાર ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ હવે આપવામાં આવશે નહીં. આ મેડલને લાંબી સેવાનું પ્રતીક માનવામાં આવતું હતું.
રેલ મંત્રાલયે આ અંગે બુધવારે સર્ક્યુલર જાહેર કરી તેને તાત્કાલિક અમલમાં મૂક્યું છે. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પરંપરાની શરૂઆત માર્ચ 2006માં કરવામાં આવી હતી.
સામાન્ય નિવૃત્તિ અથવા VRS લેતા તમામ કર્મચારીઓને પદક સ્વરૂપે 20 ગ્રામ વજનનું (99.9 ટકા શુદ્ધ) ચાંદીનું પદક આપવામાં આવતું હતું, જેના પર સોનાની પરત ચડાવવામાં આવતી હતી.
પદકની એક બાજુ ભારતીય રેલવેનો લોગો અને બીજી બાજુ ઝોન અથવા યુનિટનું નામ લખેલું આવતું હતું. સર્ક્યુલરમાં જણાવાયું છે કે પ્રાદેશિક રેલવે અને ઉત્પાદન એકમો પાસે જે પદકો સ્ટોકમાં બાકી છે, તેને બેકાર છોડવામાં નહીં આવે. તેનો ઉપયોગ અન્ય પ્રવૃત્તિઓ અથવા પુરસ્કારો માટે કરવામાં આવશે, જેથી સંસાધનોની બરબાદી ન થાય.
રેલવેના આ નિર્ણયથી કર્મચારીઓનો એક વર્ગ નિરાશ થયો છે. તેમનું કહેવું છે કે આ પદક માત્ર ધાતુનો ટુકડો નહોતો, પરંતુ દાયકાઓની મહેનતનું સન્માનચિહ્ન હતું. વિદાય સમયે પદકના બદલે કોઈ ડિજિટલ સર્ટિફિકેટ અથવા અન્ય ઉપયોગી સન્માન આપવા અંગે વિચાર કરી શકાય છે.

