Amreli,તા.29
અમરેલી જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડીના કારણે તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ઉપરા ઉપરી ચોરીના બનાવો બનતાં હોય છે. ત્યારે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે તળાવ પાસે એક ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દર-દાગીના આશરે કિમત રૂપિયા 6,79,150ના કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે તળાવ પાસે રહેતાં શિવાભાઇ દડુભાઇ વાવડીયા નામનાં 32 વર્ષીય એક ખેડૂતનાં રહેણાંક મકાને ગત તા.26 ના રાત્રીનાં 11/30 થી તા.27ના સવારે 6 વાગ્યા સમય દરમિયાન કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ખેડૂતના રહેણાંક મકાનના રૂમનું તાળુ તોડી રૂમમાં રહેલ એક કબાટનું ખાનુ તોડી તેમાં રહેલ સ્ટીલની પેટીમાં પડેલાં સોના-ચાંદીના દર-દાગીના આશરે કિમત રૂપિયા 6,79,150 ની ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

