Mumbai તા.29
હાલમાં જ બોલીવૂડમાં પાર્શ્વગાયનમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અરિજીતસિંઘના ભવિષ્યના આયોજન અંગે એક રસપ્રદ અહેવાલમાં આ ગાયક હવે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઝંપલાવે તેવા સંકેત છે અને ટૂંક સમયમાં જ તે પોતાનો અલગ રાજકીયપક્ષ રચીને એપ્રિલ માસમાં જ યોજાનારી ચૂંટણીને નવો વળાંક આપે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે.
દેશમાં બોલીવૂડ સહિતના ફિલ્મ ઉદ્યોગમાં પાર્શ્વગાયનમાં અત્યંત લોકપ્રિય થયેલા અરિજીતસિંઘ એ હાલ જ પોતે હવે સિંગર તરીકે કારકિર્દીને છોડીને સંગીત અને ફિલ્મ નિર્માણ વગેરેમાં જોડાઇ રહ્યો છે તેવા સંકેત આપ્યા હતા.
તે વચ્ચે એનડીટીવીના એક રીપોર્ટ મુજબ અરિજિતસિંઘ એક રાજકીય પક્ષ રચવા ગંભીરતાથી વિચારી રહ્યો છે. બંગાળી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક સુત્રોના જણાવ્યા મુજબ અરિજિતસિંઘ પહેલા ગ્રાસરૂટ લેવલ પર ચૂંટણી લડવા અને બાદમાં પોતાનો રાજકીય પક્ષ રચવા વિચારે છે.
જો કે તે એપ્રિલ માસમાં યોજાનારી ધારાસભા ચૂંટણીમાં ઝંપલાવશે કે તે અંગે હજુ કોઇ આખરી નિર્ણય નથી. અરિજિતસિંઘએ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના જિયાગંજનો વતની છે અને તેણે હિન્દી ફિલ્મ જગતમાં નોંધપાત્ર કારર્કિદી બનાવી છે.

