New Delhi તા.29
યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે દેશભરમાંથી વિરોધ વંટોળ થતાં અને આ નિયમને અન્યાયકારી અને સમાનતાના સિધ્ધાંત વિરુધ્ધ બતાવી સુપ્રિમ કોર્ટમાં અરજી થતાં આજે સુપ્રિમ કોર્ટે યુજીસીના નવા રેગ્યુલેશન પર રોક લગાવી દીધી છે.
નીતિ-આધારિત ભેદભાવની વ્યાખ્યા સાથે સંબંધિત યુજીસી રેગ્યુલેશન સામે આજે અરજીઓની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે રોક લગાવી હતી અને આગામી સુનાવણી 19 માર્ચે થશે. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે યુજીસીના નવા નિયમોમાં દુરુપયોગનો ખતરો દર્શાવી કહ્યું હતું કે આ નિયમો અસ્પષ્ટ છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જ્યોમાલા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થવાનો ખતરો છે. ચીફ જસ્ટિસે આદેશ આપતા કહયું હતું કે 2012ના નિયમ ફરી લાગુ થશે.
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે રેગ્યુલેશનમાં જે શબ્દોનો ઉપયોગ થયો છે તેથી લાગે છે કે તેનો દુરુપયોગ થઇ શકે છે. જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે અમે સમાજમાં એક નિષ્પક્ષ અને સમાવેશી માહોલ બનાવવા પર વિચાર કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે જ્યારે 3-ઇ પહેલાથી મોજુદ છે તો 2-સી કેવી રીતે પ્રાસંગિક થઇ જાય? બાગચીએ જણાવ્યું હતું કે મને આશા છે કે આપણે એ સ્થિતિ સુધી નહીં પહોંચીએ જ્યાં અમેરિકાની જેમ અલગ-અલગ સ્કૂલ હોય જ્યાં શ્વેત અને અશ્વેત બાળકોને જુદી-જુદી સ્કૂલમાં ભણવું પડતું હતું.
ઉલ્લેખનીય છે કે, યુજીસીના નવા નિયમોને લઇને અરજદારના વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યું હતું કે આપણે યુજીસી એક્ટની ધારા 3 (સી)ને પડકારી રહ્યા છીએ, આ ગેરબંધારણીય છે, એ માત્ર ધારણા પર આધારિત છે કે સામાન્ય શ્રેણીના છાત્ર ભેદભાવ કરે છે.
આ તકે સીજેઆઇ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમારે સામાન્ય શ્રેણીની ફરિયાદો સાથે કંઇ લેવા-દેવા નથી, અમારી ચિંતા એ છે કે અનામત સમુદાયના સભ્યો માટે ફરિયાદ નિવારણ પ્રણાલી યથાવત રહેવી જોઇએ. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આને રાજનીતિક મુદ્ો ન બનાવો અમે નિર્દેશ આપીએ છીએ કે આગામી આદેશ સુધી 2012ના આદેશ લાગુ રહેશે.

