Mumbai,તા.9
શાહરુખ ખાન અને ફિલ્મનિર્માતા ફરાહ ખાન ફરી એક વખત ‘મૈં હૂં ના 2’ માટે સાથે આવી રહ્યાં છે તેવી અફવાઓ છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં હતી, પરંતુ હવે ફરાહ ખાને આ તમામ અટકળોને ફગાવી દીધી છે.
આ ચર્ચાએ ત્યારે વધુ જોર પકડ્યું, જ્યારે અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ ‘કિંગ’ પછી શાહરુખ ખાનનો આગામી પ્રોજેક્ટ ‘મૈં હૂં ના 2’ હશે. કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફરાહ ખાને શાહરુખ ખાન માટે ડબલ રોલની એક સંકલ્પના તૈયાર કરી છે, જેમાં બે વિરુદ્ધ સ્વભાવના પાત્રો હશે. વધુમાં એવી પણ ચર્ચા હતી કે ફિલ્મની મૂળ કહાનીનો વિચાર ખુદ શાહરુખ ખાન તરફથી આવ્યો છે .
અને તેની સ્ક્રિનપ્લે પર આકાશ કૌશિક કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે નોસ્ટેલ્જિયા વધારવા માટે ફિલ્મમાં મૂળ કાસ્ટના સભ્યોને ફરી જોડવામાં આવશે, સાથે કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળશે. પરંતુ આ તમામ અટકળો પર વિરામ મૂકતાં ફરાહ ખાને સ્પષ્ટ કહ્યું, આવી તમામ અફવાઓ પર વિશ્વાસ ન કરો, અને બહુચર્ચિત સિક્વલ વિશે ચાલી રહેલી ચર્ચાને હળવાશથી નકારી કાઢી.

