Gandhinagar, તા.17
ગુજરાતમાં ચૂંટણીપંચ દ્વારા `સર’ની પ્રક્રિયા જે રીતે પુરી કરાઇ અને નવમી વખત સ્પે. ઇન્ટનસિવ રીવીઝનની પ્રક્રિયામાં લાખો મતદારોના નામ અંગે વિવાદ સર્જાયો તેમાં હવે આજે રાજ્યની ફાઇનલ મતદાર યાદી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ પણ વધશે તેવા સંકેત છે.
ચૂંટણીપંચની મંજુરી બાદ જાહેર થનારી મતદાર યાદીમાં જો કે હજુ વાંધા અરજીઓ માટે એક માસનો સમય અપાશે. રાજ્યમાં નવા મતદાર નોંધાવવા માટે સાત લાખ જેટલી અરજીઓ મળી હતી. જ્યારે ફોર્મ નં.7 હેઠળ જે નામોની કમીનો સૌથી મોટો વિવાદ સર્જાયો હતો તેમાં 1.83 લાખ જેટલી અરજીઓમાં ચૂંટણી પંચે જે નોંધી છે તે પછી ફાઇનલ મતદાર યાદીમાં જે નામો કમી થયા છે તે અંગે પણ ખ્યાલ આવશે.
રાજ્યમાં લાંબા સમયથી સ્થાનિક ચૂંટણીઓ અંગે જે ચર્ચા છે તેમાં ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થયા બાદ હવે એક મહિના પછી ચિત્ર સ્પષ્ટ થશે અને મતદાર યાદી પ્રિન્ટીંગ સહિતની કામગીરી માટેની પ્રક્રિયા પણ શરુ થશે. મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક ચૂંટણીઓ એપ્રિલ અથવા મે માસમાં યોજાઇ શકે છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચના મધ્યમાં પુરું થયા બાદ ચૂંટણીની જાહેર થાય તેવી શક્યતા છે અને વહીવટીતંત્રએ તે માટે તૈયારી કરી લીધી છે. જો કે એપ્રિલ માસમાં જે રીતે વસ્તી ગણતરીનો પ્રથમ રાઉન્ડ એટલે કે આવાસ ગણતરી સહિતની પ્રક્રિયા હાથ ધરવાની છે.
તેથી સરકાર માટે ચૂંટણી સમયે પૂરતો સ્ટાફ ખડવાનો એક મોટો પડકાર બની રહેશે. એક વખત ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થયા બાદ જે નામો કમી થયા છે તે અંગે પણ નવો વિવાદ સર્જાય તેવી શક્યતા નકારાતી નથી. આમ રાજ્યમાં રાજકીય વાતાવરણ પણ વધુ ગરમ થશે.

