Mumbai,તા.24
આગામી તહેવારોની મોસમમાં ડુંગળીના ભાવને અંકૂશમાં રાખવાના ભાગરૂપ કેન્દ્ર સરકાર બફર સ્ટોકસમાંથી વધુ ડુંગળીનું હોલસેલ બજારમાં વેચાણ કરી રહી છે.
સરકારે ગયા સપ્તાહમાં ડુંગળી પરના પ્રતિ ટન ૫૫૦ ડોલરના લઘુત્તમ નિકાસ ભાવ દૂર કરવા નિર્ણય કર્યો હતો. આ મર્યાદા દૂર કરાતા નિકાસ બજારમાં ભારતના કાંદાની માગ વધી છે અને ઘરઆંગણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
સરકારના નિર્ણય બાદ મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં કાંદાના ઉછળીને પ્રતિ કિલો રૂપિયા ૫૫થી ૬૦ સુધી પહોંચી ગયા છે.
ડુંગળી પરની કસ્ટમ્સ ડયૂટી પણ ૪૦ ટકા પરથી ઘટાડી ૨૦ ટકા કરાતા તેનાથી પણ ભારતની ડુંગળીની વિદેશમાં માગ વધવાની આશા છે. હરિયાણા, જમ્મુ અને કાશમીર બાદ વર્તમાન વર્ષમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે. ચૂંટણી ઉપરાંત તહેવારોની મોસમમાં કાંદા મોંઘા થાય તેવું સરકાર ઈચ્છતી નથી.
દેશમાં કાંદાનો સૌથી વધુ પાક મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થાય છે. દેશભરમાં સસ્તા કાંદા પહોંચાડવાના ભાગરૂપ સરકારે બફર સ્ટોકસમાંથી કાંદાનો પૂરવઠો વધારી દીધો હોવાનું ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ એક નિવેદનમાં જણાવ્યું હતું. દિલ્હી, મુંબઈ સહિત મોટા શહેરોમાં કાંદાના ભાવમાં તાજેતરમાં ઉછાળો આવ્યો છે.