Rajkot,તા.૨૪
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં હોમિયોપેથી કાઉન્સીલનાં નિયમ વિરૂદ્ધ પરીક્ષા લીધી હતી. વિદ્યાર્થીએ નિયમ વિરૂદ્ધ પરીક્ષા આપી હોવાથી રજીસ્ટ્રેશન થયું ન હતું. જે મામલે વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં પિટિશન કરતા કોર્ટે યુનિવર્સિટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હોમિયોપેથી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાઉન્સિલનો ૧ ૩ નો નિયમ હોવા છતાં કોલેજો દ્વારા ઉપરવટ જઈ પરીક્ષામાં પાસ થવા વધુ ટ્રાયલ આપવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા પાસ થયાની માર્કશીટ પણ મળી ગઈ હતી. તેમજ પ્રોવિઝનલ સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ અમદાવાદ સ્થિત હોમિયોપેથી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરવા માટે જાય છે ત્યારે તેમનું રજીસ્ટ્રેશ નહી થાય તેમ કહેવામાં આવે છે.
જે બાબતે એક વિદ્યાર્થી દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ કહ્યું હતું કે જો રજીસ્ટ્રેશન ન થઈ શકતું હોય તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેમ લેવામાં આવી. ત્યારે હાઈકોર્ટ દ્વારા કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નેશનલ કાઉન્સિલ તેમજ આયુષ મંત્રાલયને નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ યુનિવર્સિટી ખાતે મીટીંગ પણ યોજવામાં આવી હતી.
આ બાબતે રાજકોટની ગરૈયા કોલેજામાં હોમિયોપેથીમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીએઓ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૩ માં ગરૈયા કોલેજમાંથી હોમિયોપેથી પૂર્ણ કર્યું હતું. જે બાદ ૧ ૩ ને બદલે ૧ ૪ સાથે અમે હોમિયોપેથી પૂર્ણ કર્યું હતું. એટલે કે જે વિષયમાં નાપાસ થયા હો તેમાં ત્રણને બદલે ચાર ટ્રાયલ આપવા દીધા હતા. જે બાદ હું પાસ થઈ ગયો હતો. અને અમદાવાદ ખાતે હોમિયોપેથી કૌશલમાં રજીસ્ટ્રેશન કરાવવા ગયો હતો. જ્યાં મને કહેવામાં આવ્યું હતું કે, તે હોમિયોપેથી ૧ ૩ ને બદલે ૧ ૪ સાથે પૂર્ણ કર્યું છે. જેથી આપનું રજીસ્ટ્રેશન હોમિયોપેથી કાઉન્સિલમાં નહી થાય.જેથી મારૂ તબીબ બનવાનું સ્વપ્ન રોળાયું હતું.
હોમિયોપેથીમાં રજીસ્ટ્રેશન અટકાવી દેવામાં આવતા હાઈકોર્ટમાં આ મામલે પીટીશન દાખલ કરવામાં આવેલ છે. તેમજ પિટિશન બાબતનો પત્ર કોલેજ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય કક્ષાની હોમિયોપેથિક કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે. ત્યારે અમારી એક જ માંગ છે કે હોમિયોપેથી કાઉન્સિલ રજીસ્ટ્રેશન કરવું જ ન હતું તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા શા માટે લેવામાં આવી.