Tehran, તા.12
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલતું યુધ્ધ 13મા દિવસમાં પ્રવેશવા સાથે વધુ વિનાશક બની રહ્યું હોય તેમ તેલડેપો, બંદર સહિતના માળખાગત સ્થાનોએ ભયાનક હુમલા થયા હતા. અનેક ભાગે ભડકે બળ્યા હતા. ઇરાક દ્વારા ઓઇલ પોર્ટ પર કામકાજ અટકાવી દીધું હતું પરિણામે પેટ્રોલીયમ હાલત વધુ વકરવાની હાલત ઉભી થઇ છે.
ઇરાન સામેનું યુધ્ધ ઇચ્છુ ત્યારે પૂર્ણ થઇ શકે તેમ હોવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે તે વધુ ઘાતક અને ભીષણ બનવા લાગ્યું છે. ઇરાને વળતી ચેતવણીમાં એમ કહ્યું છે કે યુધ્ધ લાંબુ ચાલશે અને તેમાં અમેરિકા-ઇઝરાયેલ વૈશ્વિક અર્થ વ્યવસ્થાને બરબાદ કરી નાખશે.
દરમ્યાન આજે ઇરાકમાં બસરા પોર્ટ પર ભીષણ હુમલો થયો હતો તેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ હુમલા બાદ ઇરાકે બંદર પરનું તમામ કામકાજ અટકાવી દીધું હતું. બીજી તરફ ઓમાને મીના અલ ફેરલ સ્થિત નિકાસ ટર્મીનલ પરથી તમામ જહાજ દૂર કરી લીધા હતા. સાઉદી અરેબીયાએ દૂતાવાસ ક્ષેત્રમાં ત્રાટકી રહેલા ડ્રોનને તોડી પાડ્યું હતું.
દુબઇમાં એરપોર્ટ પર હુમલા બાદ રહેણાંક વિસ્તારમાં હુમલા બાદ આગ ફાટી નીકળી હતી જે પછી કાબુમાં લેવાઇ હતી. તમામ લોકો સુરક્ષિત હોવાનું સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું. આ ઉપરાંત સાઉદી સૈન્યએ શયાબાર તેલક્ષેત્રને નિશાન બનાવતા ડ્રોનને પણ તોડી પાડ્યું હતું. ઇરાન દ્વારા ઇઝરાયેલ પર પણ ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ઇઝરાયેલ દ્વારા લેબેનોનના પાટનગર બૈરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. 10 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમાં સાત લોકોના મોત થયા હતા અને 21થી વધુ ઘાયલ થયા હતાં.
દરમ્યાન અમેરિકા દ્વારા પણ ઇરાન પર ભયાનક હુમલાનો મારો જારી જ રાખવામાં આવ્યો હતો. બી-2 સ્પીરીટ સ્ટીલ્થ બોમ્બર્સ મારફત આક્રમણ કરવામાં આવ્યું હતું. પાટનગર તહેરાન તથા આસપાસના ક્ષેત્રોના મિસાઇલ સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇરાનના ભૂગર્ભ ક્ષેત્રોમાં મિસાઇલ ગોદામ તથા ઉત્પાદન ક્ષમતાને નિશાન બનાવાયા હતા. 2000 પાઉન્ડના બંકર બસ્ટર બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ઇરાનનો મિસાઇલ ક્ષમતાને નષ્ટ કરવાની દિશામાં આ સૌથી મોટું આક્રમણ ગણાવવામાં આવ્યું હતું. બોંબર્સ દ્વારા 200 સ્થળો પર આક્રમણ કરવામાં આવ્યું હતું.
ઇઝરાયેલના બૈરૂત પરના હુમલામાં એરપોર્ટ નજીક આગ પણ ફાટી નીકળી હતી. ઇરાકમાં અલ-ફો બંદર નજીક ઓઇલ ટેન્કર પણ નિશાન બન્યું હતું અને તેમાં એકનું મોત થયું હતું.

