Mumbai,તા.16
IPL 2026 ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિલ્હી કેપિટલ્સ (DC) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના મેન્ટર અને ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કેવિન પીટરસને અચાનક જ ટીમનો સાથ છોડી દીધો છે.
કેવિન પીટરસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તે મેન્ટરની ભૂમિકા માટે જરૂરી પૂરો સમય આપી શકે તેમ નથી. તેમણે લખ્યું, “હું IPL ની આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો મેન્ટર બની શકું તેમ નથી. આ કામ માટે જેટલો સમય જોઈએ, તેટલો સમય હું અત્યારે ફાળવી શકું તેમ નથી. જોકે, હું કોમેન્ટ્રી બોક્સમાં ચોક્કસ જોવા મળીશ.”ગયા સીઝનમાં પીટરસને દિલ્હીના યુવા ખેલાડીઓ, ખાસ કરીને આશુતોષ શર્મા જેવા બેટ્સમેનો સાથે મળીને કામ કર્યું હતું. આશુતોષે પણ પીટરસનના માર્ગદર્શનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમના કારણે રમત પ્રત્યેનો તેનો અભિગમ બદલાયો છે. હવે પીટરસનની વિદાયથી ટીમના યુવા ખેલાડીઓ માટે માર્ગદર્શનની મોટી ખોટ પડશે.
ગયા સીઝનમાં IPL ની વચ્ચે જ પીટરસન એક અઠવાડિયા માટે માલદીવ ફરવા ગયા હતા, જેના કારણે તેમની ટીકા પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, પીટરસન આ સીઝનમાં પણ વચ્ચે બ્રેક લેવા માંગતા હતા, પરંતુ દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટ આ વખતે છૂટછાટ આપવા તૈયાર નહોતું. આ જ ખેંચતાણને કારણે તેમણે પદ છોડવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે.દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી એક પણ ટાઈટલ જીતી શકી નથી. 28 માર્ચથી IPL ની 19મી સીઝન શરૂ થઈ રહી છે અને દિલ્હીની ટીમ 1 માર્ચથી જ પોતાના અભિયાનની તૈયારીઓ શરૂ કરવાની હતી. હવે જોવાનું એ રહેશે કે મેનેજમેન્ટ કોઈ નવા મેન્ટરની નિમણૂક કરે છે કે પછી કોચિંગ સ્ટાફના સહારે જ મેદાનમાં ઉતરે છે.

