New Delhi તા.27
મધ્યપુર્વમાં અમેરિકા-ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વભરના દેશોમાં સર્જાયેલી પેટ્રોલિયમ ચિંતાને કારણે આવતા દિવસોમાં લોકડાઉન આવી શકે તેવી અટકળો અને અફવા શરુ થઈ છે.
ત્યારે ભારત સરકારે એવી મહત્વની ચોખવટ કરી છે કે ભારતમાં લોકડાઉન નહી આવે અને આવી કોઈ શકયતા નથી. આ પ્રકારની અફવાઓ સંપૂર્ણ અસત્ય અને પાયાવિહોણી છે. સરકારની આ દિશામાં કોઈ વિચારણા પણ નથી.
કેન્દ્રના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ વિભાગના મંત્રી હરદીપસિંહ પુરીએ ટવીટ મારફત જાહેર કર્યુ હતું કે ભારતમાં લોકડાઉન આવી રહ્યાની અફવા અને અટકળોમાં કોઈ દમ નથી. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ પ્રકારની કોઈ દરખાસ્ત સરકારની વિચારણામાં પણ નથી. વર્તમાન પરીસ્થિતિમાં અફવા ફેલાવવાનું અને ગભરાટ સર્જાવવાનું નુકશાનકર્તા છે.
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ પાંચમા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે વૈશ્વિક પરીસ્થિતિ અનિશ્ચિતતા ભરી છે અને કેન્દ્ર સરકાર ઉર્જાથી માંડીને સપ્લાય ચેન અને આવશ્યક ચીજવસ્તુઓની પરીસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
પેટ્રોલિયમ ચીજો, ઉર્જા સહિતની મહત્વની ચીજવસ્તુઓની નિયમિત અને કોઈપણ વિક્ષેપ વગર સપ્લાય ચાલુ રહે તે માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ગમે તેવી કટોકટી કે પડકારજનક સમયનો સામનો કરવા માટે સરકાર સંપૂર્ણ સજજ છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતમાં પરીસ્થિતિ ગંભીર નથી અને સરકાર સમયસર અને સંકલીત રીતે કાર્ય કરશે.
વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ ચીજો અને ગેસની કટોકટી સર્જાવા લાગી હોવાથી અને આર્જેન્ટીના જેવા દેશોએ એનર્જી લોકડાઉન લાગુ કર્યાના રિપોર્ટ વચ્ચે ભારતમાં પણ લોકડાઉન આવી રહ્યાની અફવા અને અટકળો શરુ થઈ હતી જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ શકયતા ન હોવાની ચોખવટ કરવામાં આવી છે. ભારતમાં પણ રાંધણગેસ મામલે પરીસ્થિતિ ચિંતાજનક જ હોવાનું કેન્દ્ર સરકારે કબુલ્યુ હોવાથી અફવાને વધુ બળ મળ્યુ હતું.
કેન્દ્ર સરકારે શ્રેણીબદ્ધ મીટીંગો માટે ભારપૂર્વક જાહેર કર્યુ જ છે કે ભારતમાં પેટ્રોલિયમ ચીજોની કોઈ અછત નથી અને રાષ્ટ્રીય એનર્જી કટોકટી લાદવાની પણ કોઈ જરૂરિયાત નથી. પેટ્રોલિયમ મામલે કોઈ વિક્ષેપ ઉભો ન થાય તે માટે તેલકંપનીઓએ ડીલરોને ત્રણ દિવસની ક્રેડીટ આપવાનું પણ શરુ કરી દીધુ છે. અગાઉ એક દિવસની ઉધારીમાં જ માલ આપવામાં આવતો હતો. સપ્લાય ચેનને કોઈ અસર ન થાય તે માટે ઉધારીનો સમય વધારી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં તાજેતરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા સર્જાઈ હતી જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે કે વિશ્વભરના 41 દેશોમાંથી સરકાર ક્રુડતેલની આયાત કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં પરિવહનના વિક્ષેપ વચ્ચે પણ સપ્લાય જાળવી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાને હવે ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાંખ્યુ છે એટલે ભારતની સપ્લાયમાં ઘણી સરળતા મળી રહેવાની આશા છે.

