Mumbai તા.13
IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠી એકવાર ફરી પોતાના `નોટબુક સેલિબ્રેશન’ને લઈને ચર્ચામાં છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં તેમણે સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો, પરંતુ આ વખતે તેમની રીત થોડી બદલાયેલી જોવા મળી.
ગઈ સીઝનમાં રાઠીને તેના ઓવર-ધ-ટોપ સેલિબ્રેશન માટે ત્રણ વખત દંડ ભોગવવો પડ્યો હતો. પહેલા 25% મેચ ફી, પછી 50% અને ત્રીજી વખત ફરી 50% દંડ સાથે એક મેચનો પ્રતિબંધ મૂકી દંડાયો હતો. આ જ કારણ છે કે આ વખતે તેનું સેલિબ્રેશન થોડું `ટોન-ડાઉન’ (નરમ) દેખાયું.
પહેલા જ્યાં રાઠી બેટ્સમેનની આંખોમાં આંખ પરોવીને કાલ્પનિક લાઈન ખેંચતો હતો, ત્યાં આ વખતે તેને વિકેટ લીધા બાદ મેદાન પર નમીને `સાઈન’ (નોટબુક સેલિબ્રેશન) કરવા જેવો ઈશારો કર્યો.
આ ફેરફાર સાફ દર્શાવે છે કે તેમણે ગત સીઝનની સજામાંથી બોધ લીધો છે. આ વિકેટ ત્યારે મળી જ્યારે આવેશ ખાને કેચ પકડીને સાઈ સુદર્શનને પેવેલિયન ભેગા કર્યો. રાઠીનો બોલ થોડો શોર્ટ અને લેગ સાઈડ પર હતો, જેને સુદર્શને સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો ફાઇન લેગ પર ઉભેલા ફિલ્ડરના હાથમાં ગયો.
IPLના નિયમો મુજબ, કોઈપણ ખેલાડીના ડિમેરિટ પોઈન્ટ્સ 36 મહિના સુધી રેકોર્ડમાં રહે છે. રાઠીના નામે ગત સીઝનમાં 5 ડિમેરિટ પોઈન્ટ્સ જોડાઈ ચૂક્યા છે. જો આ આંકડો 8 સુધી પહોંચે છે તો બે મેચનો પ્રતિબંધ અને 11 પોઈન્ટ્સ પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગી શકે છે. તેવામાં તેમણે આ સીઝનમાં ખાસ સાવધાની રાખવી પડશે.

