ફિલ્મને વિદેશોમાં પણ કોઈ ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી ફિલ્મની કમાણી પહેલા દિવસે એક કરોડથી ઓછી રહી છે
Mumbai, તા.૨
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સુપરસ્ટાર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને પોતાની ફિલ્મી સફર શરૂ કરી દીધી છે. તેની ફિલ્મ એક દિન સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ અંગે વર્ષ ૨૦૨૫થી અપડેટ્સ શેર કરવામાં આવી રહ્યા હતા. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે જેમાં જુનૈદ ખાન લીડ રોલમાં છે અને તેની સામે સાઉથની સુંદર અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળી છે. ફિલ્મની કમાણીના તાજા આંકડા આવી ગયા છે, પરંતુ આ આંકડા સારા સંકેત આપી રહ્યા નથી. ફિલ્મનું બજેટ બહુ વધારે નથી, પરંતુ આટલી કમાણી રિકવર કરવા માટે ફિલ્મે પોતાના આંકડામાં સુધારો કરવો પડશે.વિવિધ રિપોટ્ર્સ અનુસાર, એક દિન ફિલ્મે ઓપનિંગ ડે પર સરેરાશ કરતા પણ ઓછું કલેક્શન કર્યું છે અને ફિલ્મનું કલેક્શન એક કરોડ સુધી પણ પહોંચી શક્યું નથી. ફિલ્મનું નેટ કલેક્શન ૦.૮૧ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે તેના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો રિપોટ્ર્સ મુજબ આ ફિલ્મ ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. ફિલ્મનું કલેક્શન ધીમું જઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ વીકેન્ડ પર કેટલું કલેક્શન કરે છે અને કેટલી રિકવરી કરી શકે છે.રિપોટ્ર્સ મુજબ એક દિન ફિલ્મ લગભગ ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે બની હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ જાપાનમાં પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપનિંગ ડે પર ફિલ્મનું એક કરોડ પણ ન કમાવવું એ દર્શાવે છે કે આ મૂવી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. ફિલ્મને વિદેશોમાં પણ કોઈ ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી.ફિલ્મની કમાણી પહેલા દિવસે એક કરોડથી ઓછી રહી છે. આ સાથે જ આ ફિલ્મ જુનૈદ ખાનની અત્યાર સુધીની સૌથી ઓછી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. અગાઉ વર્ષ ૨૦૨૫માં તેની ફિલ્મ લવયાપા રિલીઝ થઈ હતી જેમાં તે ખુશી કપૂરની સામે જોવા મળ્યો હતો. તે ફિલ્મ કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ તેનું કલેક્શન ૧ કરોડથી ઉપર તો ગયું હતું. સેકનિલ્કના રિપોટ્ર્સ અનુસાર, ઓપનિંગ ડે પર તેનું કલેક્શન ૧.૩૩ કરોડ રૂપિયા રહ્યું હતું. હવે આના પરથી અંદાજો લગાવી શકાય છે કે જુનૈદની આ ફિલ્મની હાલત કેટલી ખરાબ છે.

