Gujarat,તા.11
ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાએ તબક્કાવાર વિદાય લેવાનું શરુ કર્યુ હતું. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સિસ્ટમ સર્જાતાં રાજ્યના મોટાભાગના સ્થળોએ આસોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે (10મી ઑક્ટોબર) કોડીનારમાં સૌથી વધુ અઢી ઇંચ સહિત 50 જેટલા તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં શુક્રવારે 11મી (ઑક્ટોબર) નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહીથી આયોજકો ચિંતામાં
મોટાભાગના સ્થળોએ શુક્રવારે ગરબાનો છેલ્લો દિવસ છે. શનિવારે નોમ-દસમ ભેગા હોવાથી કેટલાક આયોજકોએ ત્યારે પણ ગરબાનું આયોજન કરેલું છે. પરંતુ તે દિવસમાં પણ વરસાદની આગાહીથી આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. ગુરુવારે વરસાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા.
આ રાજ્યોમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3-4 દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની સંભાવના છે.

