New Delhi,તા.28
દેશમાં ક્રુડતેલની ખપત ઘટાડવા પેટ્રોલમાં ઈથેનોલ મેળવવામાં આવી રહ્યું છે અને હાલ 20 ટકા ઈથેનોલ સાથેનું પેટ્રોલ ઉપલબ્ધ છે પરંતુ ટુંક સમયમાં આ 20 ટકા ઉપરાંત 22-25 અને 30 ટકા ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ પણ ઉપલબ્ધ બનશે અને કાર કે સ્કુટર ચાલક પોતાને કયું પેટ્રોલ ભરાવવું છે તે વિકલ્પ અપાશે.
આ અંગેના એક રિપોર્ટ મુજબ સરકારે ઓઈલ માર્કેટીંગ કંપનીઓને તથા ખાનગી ઓઈલ કંપનીઓ જેઓ પમ્પ ધરાવે છે તેમને તમામને આ ઈ-20 થી ઈ-30 સુધીનું પેટ્રોલ ઉપલબ્ધ બનાવવા સૂચના આપી છે.
દેશમાં જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ પાસે 90 હજારથી વધુ પેટ્રોલપંપ છે અને ત્યાં સૌથી પ્રથમ આ પ્રકારનું પેટ્રોલ ઉપલબ્ધ કરાશે. સરકારના ડેટા મુજબ ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ વેચવાથી 2014 થી 2026 દરમ્યાન રૂા.1.70 લાખ કરોડની બચત થઈ છે અને વાહનોમાં જે કાર્બન સર્જાય છે તેમાં પણ 87 મિલિયન ટનનો ઘટાડો થયો છે. આમ આ કાર્બન એ 350 મિલિયન વૃક્ષો વાવવા જેટલો છે. ભારત જે રીતે ઉંચા ભાવે ક્રુડતેલ આયાત કરે છે તેનાથી વિદેશી હુંડીયામણનો મોટો વ્યય થાય છે.

