મુંબઈ મેટ્રોમાં લોકોને ગરબા ગીત અને જય શ્રી રામના નારા ગાતા ખેલૈયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
Mumbai, તા.૧૫
નવરાત્રિ નિમિત્તે દેશભરમાં ગરબાનો માહોલ જોવા મળ્યો હતો. આવું જ એક દૃશ્ય મુંબઈ મેટ્રોમાં પણ જોવા મળ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ વીડિયોને લઈને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા ભટ્ટ ગુસ્સામાં છે. અભિનેત્રીએ સાર્વજનિક સ્થળે આવા વર્તનની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા છે. મુંબઈ મેટ્રોમાં લોકોને ગરબા ગીત અને જય શ્રી રામના નારા ગાતા ખેલૈયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને પૂજા ભટ્ટ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે આ વીડિયો રિટ્વીટ કર્યો અને લખ્યું કે, ‘સાર્વજનિક સ્થળ પર આની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? પછી તે હિંદુત્વ પૉપ હોય, ક્રિસમસ કેરોલ્સ હોય, બોલિવૂડ બ્લોકબસ્ટર હોય કે બીજું કંઈ. જાહેર સ્થળનો આ રીતે દુરુપયોગ થવો જોઈએ નહીં.’ હવે પૂજાની પોસ્ટ પર ઘણાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ઘણાં લોકો પૂજાને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાકે તેને સપોર્ટ પણ કર્યો છે.બીજી પોસ્ટમાં પૂજાએ કહ્યું, ‘જો આપણે મૂળભૂત નિયમોનું પાલન ન કરી શકીએ તો ખરા અર્થમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કોઈ આશા નથી. તમામ રાજકીય પક્ષોના ગેરકાયદે હોર્ડિંગ્સ શહેરને અપવિત્ર કરે છે, મેટ્રોને પાર્ટી ઝોનમાં ફેરવવામાં આવી રહી છે. હુમલાખોરો દ્વારા કવર તરીકે ઉપયોગમાં લેવાતા રસ્તાની વચ્ચે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે.’પૂજાની આ પોસ્ટ પર ઘણાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં અમુક લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે તો અમુક અભિનેત્રીને ટ્રોલ પણ કરી રહ્યા છે.