Ahmedabad,તા.૧૫
૨૪ પૈસા માટેની કાનુની લડાઈ લડવાનું ગ્રાહકને ભારે થઈ ગયુ હતું. અને ગ્રાહક ફોરમ દ્વારા તેને રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગ્રાહક પંચે ન્યાયની મજાક ઉડાડવા તથા સમય બગાડવાની આકરી ટીપ્પણી કરી હતી. આ કેસમાં દેત્રોજનાં પ્રશાંત પટેલ ગત ૧૦ મી જાન્યુઆરીએ પીઝા ખાવા ગયા હતા. તે પેટે રેસ્ટોરાએ તેમને રૂા.૬૬૫ નું બીલ આપ્યુ હતું.વાસ્તવિક બીલ ૬૬૪.૭૬ પૈસા હતું પરંતુ રાઉન્ડ ઓફ સીસ્ટમ હેહઠળ ૬૬૫ કરાયું હતું.
આ વધારાના ૨૪ પૈસા સામે તેઓએ વાંધો ઉઠાવ્યો હતો.અને ’ઓવર ચાર્જ’નો આરોપ મુકયો હતો.રેસ્ટોરા સ્ટાફે આ મામલે મેનેજમેન્ટનું ધ્યાન દોરવા તથા વધુ નાણાં વસુલાતા હશે તો રીફંડ મોકલવાની બાહેંધરી આપી હતી. રેસ્ટોરા દ્વારા બાહેંધરી મુજબ કોઈ પ્રતિભાવ નહીં આવતા તેઓએ ગાંધીનગર ગ્રાહક ફરીયાદ નિવારણ પંચમાં દાવો રજુ કર્યો હતો. રેસ્ટોરા રકમ ’રાઉન્ડ ઓફ’ના નામે ગ્રાહકો પાસેથી વધુ નાણા પડાવતી હોવાની દલીલ સાથે આકરી પેનલ્ટી ફટકારવાની માંગ કરી હતી.
રેસ્ટોરા મેનેજમેન્ટે એવો બચાવ કર્યો હતો કે સતાવાર ગાઈડલાઈન મુજબ જ બીલ બનાવવામાં આવે છે. અને તે મુજબ જ બીલ જનરેશનનો સોફટવેર તૈયાર થયેલો છે.માત્ર ૨૦ પૈસાનાં વિવાદમાં કાનુની દાવો કરાતા ગ્રાહક પંચ પણ નારાજ થયુ હોય તેમ એવી ટીપ્પણી કરી હતી કે ૨૪ પૈસાની રિકવરી માટેનો દાવો ન્યાયની મજાક કરવારૂપ તથા સમય બગાડવા સમાન છે.
સરકાર તથા રીઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ બીલની રકમ રાઉન્ડ ઓફ કરવામાં આવે છે. ત્યારે ફરીયાદીની ફરીયાદ જ ખોટી ઠરે છે. અને ગ્રાહક પંચને ગેરમાર્ગે દોરવા સમાન છે. પંચ દ્વારા ગ્રાહકની ફરીયાદ રદ કરીને ૧૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.જે રાજય ગ્રાહક કલ્યાણ બોર્ડમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો.