New Delhi,તા.16
દેશમાં ધર્મસ્થાનોને સાંકળતા વધી રહેલા વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, મસ્જીદમાં ‘જયશ્રીરામ’ના નારા લગાવવાથી કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી નથી અને તે કોઈ અપરાધ બની શકે નહિં દક્ષિણ કન્નડા જીલ્લામાં ગત મહિને બનેલી આ પ્રકારની ઘટનામાં બે વ્યકિતઓએ રાત્રીનાં સ્થાનિક મસ્જીદમાં પ્રવેશીને ‘જયશ્રીરામ’ ના નારા લગાવ્યા હતા.
જે અંગે આ બન્ને વ્યકિતઓ સામે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકીને જે ફરીયાદ દાખલ થઈ હતી તે હાઈકોર્ટે રદ કરી હતી. કર્ણાટક પોલીસે આ બન્ને સામે કલમ 295 એ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી ગુન્હાહીત રીતે ઈમારતમાં ઘુસણખોરી કરવી સહીતની કલમો લગાવી હતી.પણ હાઈકોર્ટે નિરિણ વ્યકત કર્યું છે. કલમ 295-એ હેઠળ જયશ્રી રામ બોલવુ એ અપરાધ ગણી શકાય નહિં.
આ કલમ ઈરાદાપુર્વક અને દ્વેશભાવથી કોઈ એક વર્ગની ધાર્મિક લાગણીઓની અપમાન કરવા માટે કે તેની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે અપરાધ ગણાય છે પણ કોઈ વ્યકિત જયશ્રી રામ બોલે તો કઈ રીતે કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી શકે તે પ્રશ્ન છે.
ખાસ કરીને જયારે ફરીયાદમાં પણ જણાવાયું કે આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લીમ કોમી એખલાસ અને શાંતિપૂર્વક રહે છે અને આ પ્રકારની પ્રવૃતિ બાદમાં કોઈ તનાવ થયો નથી અને આ દ્રષ્ટિએ જાહેર શાંતીનો પણ કોઈ રીત ભંગ થયો નથી.
હાઈકોર્ટ આ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાંકતા જણાવ્યુ હતું. આ પ્રકારનાં દરેક કૃત્ય એ કલમ 295 એ હેઠળ અપરાધ બની શકે નહિં અને જો આ કૃત્યથી જાહેર શાંતીનો કોઈ ભંગ થયો ન હોય તો તેમાં કલમ 295 એ લાગુ કરી શકાય નહિં અને જો આ પ્રકારના કેસને આગળ મંજુરી અપાય તો તે કાનુન અને તેની પ્રક્રિયાનો દુરઉપયોગ જ ગણાશે અને ન્યાયનો હેતુ સરશે નહિં.