- અદાણી યુનિવર્સિટીએ AI યુગને અનુરૂપ અભ્યાસક્રમોની પુનઃરચના કરી.
- “AI ફોર એન્જિનિયર્સ” આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ સહિત પાયાનું જ્ઞાન આપશે.
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને અનુરૂપ નવો અભ્યાસક્રમ સર્વાંગી વિકાસ કેન્દ્રિત.
Ahmedabad,તા.29
ટેકનોલોજીના આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જે રીતે તમામ ઉદ્યોગોનું ચિત્ર બદલી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદની અદાણી યુનિવર્સિટીએ એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી તેના એન્જિનિયરિંગ, સાયન્સ અને મેનેજમેન્ટના તમામ કોર્સના સિલેબસમાં વ્યાપક ફેરફારો કરવાની જાહેરાત કરી છે. (AI-Ready) વિદ્યાર્થીઓ ઉદ્યોગોની આજની જરૂરિયાત મુજબ સીધી જ રોજગારી મેળવવા સક્ષમ બનશે.
અદાણી યુનિવર્સિટીના નવા શૈક્ષણિક માળખા અંતર્ગત હવે એન્જિનિયરિંગ અને સાયન્સના દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે ‘AI ફોર એન્જિનિયર્સ’ નામનો કોર્સ ભણાવવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બેઝિક, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ અને AI ના નૈતિક ઉપયોગ (Ethical AI) અંગે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. ઉપરાંત, મેનેજમેન્ટ ફેકલ્ટીના ફ્લેગશિપ કોર્સ ‘MBA ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ’ને પણ રીડિઝાઇન કરાયો છે, જેમાં હવે AI, ડેટા એનાલિટિક્સ અને ESG (એન્વાયર્નમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ) જેવા ગ્લોબલ વિષયો ઉમેરવામાં આવ્યા છે.
નવા અભ્યાસક્રમમાં માત્ર થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ (હેન્ડ્સ-ઓન લર્નિંગ) પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે આઈઆઈટી બોમ્બે (IIT Bombay) ના ‘e-Yantra’ પ્રોજેક્ટ આધારિત કોર્સનો સમાવેશ કરાયો છે, જેમાં વિદ્યાર્થીઓ હાર્ડવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર પ્રોગ્રામિંગ લાઈવ શીખશે. આ સિવાય વિદ્યાર્થીઓએ તેમની આખી કોલેજ લાઈફ દરમિયાન ૩ અલગ-અલગ ઇન્ટર્નશિપ કરવી પડશે:
- પ્રથમ વર્ષ પછી: સોશિયલ વર્ક/કમ્યુનિટી સર્વિસ ઇન્ટર્નશિપ
- બીજા વર્ષ પછી: પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઇન્ટર્નશિપ
- ત્રીજા વર્ષ પછી: ઇન્ડસ્ટ્રી/કોર્પોરેટ ઇન્ટર્નશિપ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) ને અનુરૂપ આ સિલેબસમાં ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક વિરાસત, અર્થશાસ્ત્ર અને ટકાઉ જીવનશૈલીથી યુવા પેઢી માહિતગાર થાય તે માટે ‘ઇન્ડિયન નોલેજ સિસ્ટમ’ (IKS) નો ક્રેડિટ કોર્સ ફરજિયાત કરાયો છે. ઉપરાંત વિદ્યાર્થીઓના ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે યોગ, હેલ્થ એન્ડ હાઈજીનનો કોર્સ તેમજ કોલેજ કેમ્પસમાં ૨૪ કલાક કાઉન્સિલર્સની મદદ મળી રહે તેવી માનસિક સ્વાસ્થ્ય સપોર્ટ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.

