RAJKOT, તા.18
રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય દ્વારા મિલકતો ભાડે આપી તેની નોંધ પોલીસ મથકમાં ન કરાવનાર વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવની યોજવામાં આવી છે. જે અનુસંધાને રાજકોટ જિલ્લા નાયબ પોલીસ મહા નિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની ટીમે જુદા જુદા તાલુકામાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગોંડલ, ઉપલેટા, જેતપુરમાં શેડ, ગોડાઉન, મકાન ભાડે આપી પોલીસમાં નોંધ ન કરાવનાર આસામીઓ સામે ગુના નોંધાયા હતા.
ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાછળ સ્વસ્તિક મિલ વાળી શેરીમાં શ્રીજી કોમર્શિયલ વિસ્તારમાં આવેલ સાહિલ એન્ટરપ્રાઇઝ નામના ઉદ્યોગિક શેડના માલિક અંકિતભાઈ દામજીભાઈ ઠુંમર (રહે. ગુંદાળા રોડ મણીનગર ગોંડલ)એ પોતાનો ઔદ્યોગિક શેડ કિશોરભાઈ વલ્લભભાઈ ડાભી (રહે. ગોંડલ)ને ભાડે આપી ભાડા કરાર ન કરાવી, પોલીસ સ્ટેશનમાં તેની નોંધ ન કરાવી, જાહેરનામાનો ભંગ કરતા એલસીબીએ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં અંકિતભાઈ ઠુંમર સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામે રહેતા જીગ્નેશભાઈ દિનેશભાઈ કનારા અને વિપુલભાઈ ઉકાભાઈ સોલંકીએ પોતાની માલિકીના મકાનો પરપ્રાંતીય પરિવારોને ભાડે આપેલ હોય પરંતુ તે અંગેની જાણ પોલીસમાં ન કરી હોવાથી જીગ્નેશભાઈ અને વિપુલભાઈ વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઉપલેટાની મદીના સોસાયટી અબ્બાકાસમભાઈ લતીફભાઈ જાલીયાવાલાએ ઉપલેટાના પાટણવાવ રોડ મક્કા મસ્જિદ પાસે આવેલ પોતાનું ગોડાઉન મયોદિનભાઈ આબ્દુલાભાઈ હડમતિયાવાલાને ભાડે આપ્યું હોય પણ તેની નોંધ પોલીસમાં ન કરાવી હોવાથી એલસીબી ની ટીમે ઉપલેટા પોલીસ મૂકે અબ્બાકાસમભાઈ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાવ્યો હતો.