યૂઝીલેન્ડે ભારત સામે પ્રથમ દાવમાં ૪૦૨ રન બનાવ્યા છે : ત્રીજા દિવસે રચિન રવિન્દ્રએ કરી તોફાની બેટિંગ
Bangalore, તા.૧૮
બેંગલુરુ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં ૪૦૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. ભારતનો પ્રથમ દાવ માત્ર ૪૬ રનમાં સમેટાઈ ગયો હતો, તેથી પ્રથમ દાવમાં ન્યૂઝીલેન્ડની કુલ લીડ ૩૫૬ રન થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમનો સૌથી મોટો હીરો રચિન રવિન્દ્ર હતો, જેણે ૧૩૪ રન બનાવીને પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. તેના સિવાય ટિમ સાઉદી અને ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારીને મુલાકાતી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
બેંગલુરુ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. બીજા દિવસે ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ભારતીય ટીમ પર ભારે પડ્યો હતો અને સમગ્ર ભારતીય ટીમ ૪૬ રનમાં સમેટાઈ ગઈ હતી અને બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે ૩ વિકેટના નુકશાને ૧૮૦ રન બનાવી લીધા હતા.
કિવી ટીમે ત્રીજા દિવસે પોતાનો સ્કોર ૧૮૦/૩ થી આગળ વધાર્યો. દિવસની રમત શરૂ થયાની થોડી ઓવર પછી મોહમ્મદ સિરાજે ડેરીલ મિશેલને આઉટ કર્યો હતો. તે પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી, જેના કારણે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૭ વિકેટે ૨૩૩ રન થઈ ગયો. રચિન રવિન્દ્રએ ૧૨૪ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને ટિમ સાઉદી સાથે ૧૩૭ રનની શાનદાર ભાગીદારી કરી હતી. રવિન્દ્ર અને સાઉદીએ મળીને ટીમનો સ્કોર ૩૫૦ રનની પાર પહોંચાડ્યો હતો.
ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલરોએ ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ, મેટ હેનરી અને ગ્લેન ફિલિપ્સની વિકેટ ઝડપી લીધી હતી. પરંતુ તે પછી છેલ્લી ત્રણ વિકેટ વચ્ચે ૧૬૯ રન થયા હતા. કુલદીપ યાદવે ચોક્કસપણે ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ તે પણ ખરાબ રીતે ધોવાયો હતો. તેણે ૫થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા. રવિન્દ્ર જાડેજાએ પણ ૩ અને મોહમ્મદ સિરાજ ૨ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.