Mumbai,તા.19
મલયાલમ સિનેમાની પ્રથમ હિરોઈનોમાંની એક નેયત્તિંકારા કોમલમ ઉર્ફે કોમલા મેનનનું 96 વર્ષની વયે નિધન થયું છે. 15 ઓક્ટોબરના રોજ કાર્ડિયાક બિમારીના કારણે તેમને કેરળના પરસાલા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પીઢ અભિનેત્રીએ 17 ઓક્ટોબર, ગુરુવારે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું.
આજે થશે અંતિમ સંસ્કાર
દિગ્ગજ અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે એટલે કે 18 ઓક્ટોબરે લગભગ 12.30 વાગે વઝુથુરમાં થશે. અભિનેત્રી થોડા વર્ષો પહેલા તેમના પતિ એમ. ચંદ્રશેખર મેનનને ગુમાવી ચૂક્યા હતા અને તેમની વય-સંબંધિત બિમારીઓને કારણે તેઓ તેમના કેટલાક સંબંધીઓ સાથે રહેતા હતા.
કોમલા મેનનને આ કરિયર પસંદ કરવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હતો
રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા, કોમલા મેનનને અભિનય કારકિર્દી બનાવવા બદલ તેના સંબંધીઓ તરફથી સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે પ્રોડક્શન હાઉસ તરફથી ઘણી ઓફર મળવા છતાં પણ તેમણે 21 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ 22 વર્ષના અંતરાલ પછી, તેમણે મધુ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આરાધના’ માં અભિનય કરીને કમબેક કર્યું હતું. 1994માં, કોમલા મેનનને ‘એસોસિયેશન ઑફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ’ (AMMA) તરફથી માનદ સભ્યપદ આપવામાં આવ્યું હતું.