Mumbai,તા.19
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત દિગ્દર્શકના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે. કન્નડ એક્ટ્રેસ અમૂલ્યાના ભાઈ અને ફિલ્મ દિગ્દર્શક દીપક આરસનું 42 વર્ષે નિધન થઈ ગયું છે તે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડિત હતાં. ફિલ્મ નિર્માતાએ બેંગલુરૂના આરઆર નગરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ દીધાં. દિગ્દર્શક દીપકના મોતની ખબરથી અમૂલ્યા સહિત સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકાર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યાં છે. નોંધનીય છે કે, સાઉથમાંથી બે દિવસમાં ત્રણ મોતની ખબર સામે આવી ચુકી છે.
સાઉથના પ્રખ્યાત દિગ્દર્શકનું થયું નિધન
મળતી માહિતી મુજબ, દીપક અરાસના નિધન બાદ તેના પરિવારમાં તેની પત્ની, બે બાળકો અને માતા-પિતા છે. તેનું પાર્થિવ શરીર વ્યાલિકાવલ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યું જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. દીપક આરસની મોતની ખબરથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકાર તેમના ઘરે જતાં દેખાયા હતાં, જ્યાં તેમનો અંતિમ સંસ્કાર થવાનો છે. પોતાના ભાઈની મોતથી અમૂલ્યા પણ ખૂબ દુઃખી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ભાઈના નિધનની જાણકારી આપી હતી.
દીપક અરાસની મોતનું કારણ
પ્રખ્યાત દિગ્દર્શક દીપક આરસની કિડની ફેઇલ થયાં બાદ ફિલ્મ નિર્માતાએ બેંગલુરૂમાં આરઆર નગરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. જણાવી દઈએ કે, દીપક અરાસને કન્નડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના યોગદાન માટે ઓળખવામાં આવે છે. તેમના નોંધનીય કામમાં 2011ની રોમાન્ટિક ડ્રામા ‘માનસોલૉજી’ સામેલ છે, જેમાં તેની બહેન અમૂલ્યા લીડ રોલમાં હતી.
દીપક અરાસની છેલ્લી ફિલ્મ
આ સિવાય, દીપક અરાસે 2023માં ‘સુગર ફેક્ટ્રી’ નું નિર્દેશન કર્યું હતું, જે રોમાન્ટિક કોમેડી-ડ્રામા છે. આ ફિલ્મમાં ડાર્લિંગ કૃષ્ણા, સોનલ મોંટેરો, રૂહાની શેટ્ટી, અધ્વીથી શેટ્ટી અને રંગાયના રધુ લીડ રોલમાં જોવા મળ્યા હતાં. આ દીપકની છેલ્લી ફિલ્મ હતી અને તે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાના હતાં, પરંતુ કિસ્મતે તેનો સાથ ન આપ્યો.