ફક્ત એક માસમાં ચાર સ્થળોએ ગુનાને અંજામ આપી રૂ. 34.23 લાખની ઉઠાંતરી : પાંચ તસ્કરોને શોધી રૂ. 31.60 લાખ નો મુદ્દામાલ કબજે
Rajkot,તા.૨૧
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં ગત શનિવારે એક નોકરચોરીનો બનાવ સામે આવ્યો હતો. ઘરે સફાઈ કરવા આવેલા શખ્સો કબાટમાંથી રૂ. 14 લાખની રોકડ ઉઠાવી ગયાનો બનાવ સામે આવતા તાત્કાલિક તાલુકા પોલીસની ટીમે તસ્કર ટોળકીને શોધી કાઢી રાઉન્ડ અપ કરી લીધા હતા. જે તસ્કરોની પ્રાથમિક પૂછપરછમાં એક કે બે નહિ પણ ફક્ત ચાર માસમાં ચાર ચોરીને અંજામ આપી રૂ. 34.23 લાખની ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી હતી. તાલુકા પોલીસે રૂ. 31.60 લાખની રોકડ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં કારખાનેદારના ઘરમાં સફાઈ કરવા આવેલી ટોળકીએ કબાટમાંથી રૂ. 14 લાખની ઉઠાંતરી કરી લીધાની રાવ ઉઠતા જ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી એમ હરીપરાએ ત્વરિત પગલાં લેતા તસ્કર ટોળકીના બે સભ્યોને ગોંડલ ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.
તાલુકા પોલીસે અટકાયતમાં લીધેલા પ્રભુલાલ સવજીભાઈ મિણા(ઉ.વ.37) અને બંસીલાલ દેવીલાલ મિણા(ઉ.વ.29)ને અટકાયતમાં લઇ પૂછપરછ શરૂ કરતા અનેક ઘટસ્ફોટ થયાં હતા. પ્રભુલાલ મિણા છેલ્લા 17 વર્ષથી રાજકોટ શહેરમાં રહેતો હોય અને કલરકામનો ધંધો કરતો હોય તેવી કબૂલાત આપી હતી. પ્રભુલાલ કલરકામની સાથોસાથ સફાઈ કામ પણ કરતો હોય જેથી પોશ એરિયાના અલગ અલગ મકાનોમાં સફાઈ અને કલરનું કામ કરતી વખતે ઘરના ખૂણે ખૂણા સુધી પહોંચવાની તક સાંપડતી હોય ત્યારે તેને ચોરી કરવાનું સૂઝ્યું હતું. જે બાદ પ્રભુલાલ મિણા પોતે રાજસ્થાનનો વતની હોય ત્યાંથી ચારેક શખ્સોને બોલાવી લક્ષ્મીનગર ખાતે પોતાના ભાડાના મકાનમાં આશરો આપ્યો હતો. પ્રભુલાલ મિણાએ પૂછપરછમાં એક કે બે નહિ પણ કુલ ચાર ચોરીની કબૂલાત આપતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. જે બાદ પ્રભુલાલ મિણાએ તસ્કર ટોળકીના અલગ અલગ સભ્યોના નામ અને સરનામાં આપી દેતા અન્ય ત્રણ તસ્કરો કાનૂરામ ઉર્ફે કાંતિ રામજી મિણા(ઉ.વ.35), ગોપાલ ઉર્ફે ભૂપેશ શંકર મિણા(ઉ.વ.25) અને પવન થાવરચંદ્ર મિણા(ઉ.વ.22)ને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
તાલુકા પોલીસે અલગ અલગ ચાર છોરીઓમાં તસ્કર ટોળકીએ કરેલી કુલ રૂ. 34.23 લાખની રોકડ પૈકી 31.60 લાખની રોકડ રિકવર કરી લીધા છે.