Mumbai,તા.22
સાઉથ સ્ટાર્સ શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ ઓગસ્ટ ૨૦૨૪માં સગાઈ કરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી તો બધા ચોંકી ગયા હતા. ત્યારે હવે અભિનેત્રીએ પ્રી-વેડિંગ સેરેમનીની ઝલક શેર કરી છે. શોભિતાએ જે ફોટોઝ શેર કર્યા છે, તે પસુપુ દંચતમ (હલ્દી સેરેમની)ના છે. આ પોસ્ટ પર યુઝર્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
અભિનેત્રી દક્ષિણ ભારતીય શૈલીમાં વિધિ કરતી જોવા મળી રહી છે.તસવીરોમાં અભિનેત્રી હલ્દી પકડેલી જોવા મળી રહી છે. તે પરિવારના અન્ય સભ્યો સાથે ધાર્મિક વિધિ કરતી જોવા મળે છે. શોભિતાએ આ તસવીરો સાથે કેપ્શન લખ્યું, ’ગોધુમા રાયી પસુપુ અનુષ્ઠાન, અને આખરે આની શરૂઆત થઈ ગઈ.’ અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ’સદા સૌભાગ્યવતી રહો.’ એકે કહ્યું, ’સામંથાનો શ્રાપ ક્યારેય તારો પીછો નહિ છોડે.’ એકે કહ્યું, ’તમે એક સારો પરિવાર બરબાદ કરી સંબંધ શરૂ કર્યો છે.’
જ્યારે કેટલાકે તેની સાદગી અને સુંદરતાના વખાણ કર્યા હતા. શોભિતાના લુકની વાત કરીએ તો તેણે રેડ-પીચ ગોલ્ડન સિલ્ક સાડી પહેરી છે, જેના પર ગ્રીન કલરનું કોમ્બિનેશન છે, અભિનેત્રીએ તેના વાળને વેણીથી સજાવ્યા છે. તેણે હાથમાં ગ્રીન બંગડીઓ પણ કેરી કરી હતી અને આ સાથે સોનાના ઘરેણા પણ કેરી કર્યા છે. સાથે ઉત્તમ પોઝ આપ્યા છે.
શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્યના લગ્ન વિશે ચર્ચા હતી કે તેઓ આવતા વર્ષ સુધીમાં લગ્ન કરી શકે છે, પરંતુ અભિનેત્રીના લેટેસ્ટ ફોટોઝ એ સંકેત આપ્યો કે તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઇ રહ્યા છે. જણાવી દઇએ કે, ગોધુમા એટલે ઘઉં, રાય એટલે પથ્થર અને પસુપુ એટલે હળદર. દંચતમનો અર્થ થાય છે પીસવું.
શોભિતાના કેપ્શનમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ઘઉં, પથ્થર અને હળદરને એકસાથે પીસવાની. એટલે કે આ પરંપરાગત વિધિ અનુસાર આ કામ વર-કન્યા દ્વારા કરવામાં આવે છે. આ કાર્ય દુલ્હા-દુલ્હનના જીવનની નવી શરૂઆતનું પ્રતીક છે, જ્યાં તે જવાબદારીઓ, એકસાથે જીવન અને નવા ચરણ માટે તૈયારી કરે છે.જણાવી દઇએ કે, નાગા ચૈતન્ય બીજી વખત શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કરશે.
તેણે સૌપ્રથમ ૨૦૧૭માં સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા પરંતુ ૨૦૨૧માં તેઓ અલગ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્ય તેલુગુ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેનીનો મોટો પુત્ર છે. નાગા અને શોભિતા ધુલીપાલાની સગાઈ વિશે સત્તાવાર માહિતી આપતાં નાગાર્જુને જ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી. એવું માનવામાં આવે છે કે આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.