Toronto,તા.24
ભારત સાથે ચાલી રહેલાં રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનાં જ ઘરમાં ઘેરાયેલાં છે. હકીકતમાં, ટ્રુડોની પાર્ટીનાં સાંસદોએ તેમને ચોથી ટર્મ માટે ચૂંટણી ન લડવા અને પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે.
એટલું જ નહીં, લિબરલ પાર્ટીનાં સાંસદોએ ટ્રુડો માટે આ અંગે નિર્ણય લેવા માટે 28 ઓક્ટોબર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. કેટલાક સાંસદોએ તો એમ પણ કહ્યું કે જો ટ્રુડોએ 28 ઓક્ટોબર સુધીમાં પદ છોડવાનો નિર્ણય ન લીધો તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડો અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. આ જ કારણ છે કે ટ્રુડો પર વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમની પાર્ટીનાં નેતાઓ સાથે બેઠક પણ કરી હતી. આ મીટિંગ પછી ટ્રુડોએ કહ્યું હતું કે લિબરલ પાર્ટી મજબૂત અને એકજૂથ છે, પરંતુ પાર્ટીનાં 20 સાંસદોએ અલગ વાર્તા કહી હતી. હકીકતમાં, 20 સાંસદોએ પત્ર લખીને ટ્રુડોને પીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી હતી. આ સાંસદોએ આગામી ચૂંટણી પહેલાં ટ્રુડોના રાજીનામાની માંગ કરી છે.
કેનેડાની લિબરલ પાર્ટીનાં સાંસદ કેન મેકડોનાલ્ડનું કહેવું છે કે ’ટ્રુડોએ લોકોને સાંભળવાનું શરૂ કરવું જોઈએ.’ કેર મેકડોનાલ્ડ પણ એવાં 20 સાંસદોમાં સામેલ છે જેમણે ટ્રુડોને પદ પરથી હટાવવાની માંગ કરી છે. મેકડોનાલ્ડે કહ્યું કે તે આગામી ચૂંટણી નહીં લડે. આનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આનું કારણ લિબરલ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા છે.
જસ્ટિન ટ્રુડોએ સંકેત આપ્યાં છે કે તેઓ ચોથી ટર્મ માટે પણ પોતાનો દાવો રજૂ કરશે. જોકે, ટોરોન્ટો અને મોન્ટ્રીયલ એમ બે જિલ્લાઓમાં યોજાયેલી ખાસ ચૂંટણીમાં ટ્રુડોની પાર્ટી લિબરલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. જે બાદ ટ્રુડોની નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યાં છે. તાજેતરનાં સર્વેમાં પણ ટ્રુડોની પાર્ટી વિપક્ષી પાર્ટી કરતાં પાછળ છે.