ગીરસોમનાથ તા 24
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવ શ્રી સોમનાથના સાન્નિધ્યમાં તા. ૧૧ થી ૧૫ નવેમ્બર સુધી કાર્તિકી પૂર્ણિમાનો પરંપરાગત મેળો યોજાશે. જેના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ મેળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ રાઈડ્સ ઈન્સ્ટોલેશન અંગેની કામગીરી, સ્ટ્રક્ચર ફાઉન્ડેશન, રાઈડ્સને આપવાની થતી જગ્યા, ફાયર એન.ઓ.સી, પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠા જાળવણી, આરોગ્ય વિષયક સેવાઓ, પ્રદર્શન સ્ટોલ તેમજ રાઈડ્સ, ફૂડ સ્ટોલ, સ્ટોલ પરની સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાહન પાર્કિંગ વગેરે બાબતો વિશે સમીક્ષા કરી હતી.
કલેક્ટરએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે મેળાનું સુનિયોજીત આયોજન થાય અને તમામ સ્ટોલ્સ તેમજ રાઈડ્સ મેળાના મુલાકાતીઓ પાસેથી નિયત કરેલા ભાવથી વધુ ભાવ ન લે તે અંગે તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને જણાવી જો કોઈ આમ કરતા જણાશે તો તેનું એકમ તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.