મીઠાઈ-ફરસાણની દુકાનો, દૂધની ડેરી, મેન્યુફેકચરીંગ યુનિટ, હોટલ-રેસ્ટોરન્ટ પર તપાસ
૪૯૭૭ કિ.ગ્રા. ખાદ્યતેલનો અને ૧૩૫ કિ.ગ્રા. બગડેલા-અખાદ્ય જથ્થાનો નાશ કરાયો
Veraval,તા,૨૫
ગીર સોમનાથ જિલ્લામાં ફૂડ સેફટી પખવાડીયાની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગીર સોમનાથ દ્વારા લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તહેવારોને અનુલક્ષીને મીઠાઈ તથા ફરસાણની દુકાનો, દુધની ડેરીઓ, મેન્યુફેકચરીંગ યુનિટ, હોટલ તથા રેસ્ટોરન્ટ અને રીટેઈલર-હોલસેલ સ્ટોલમાંથી બહોળા પ્રમાણમાં જુદા-જુદા વિસ્તારોમાંથી દૂધ અને દૂધની બનાવટ, માવો, ઘી, ખાદ્યતેલ, મરી–મસાલા, બેકરી પ્રોડકટ, પનીર, ડ્રાયફ્રૂટ ફરસાણ અને મીઠાઈની તપાસ થઈ હતી.
તપાસ દરમિયાન સ્થળ પર જોવા મળેલા પડતર, વાસી તથા બગડેલા અને અખાધ્ય એવા આશરે ૧૩૫ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તથા અંદાજે ૪૯૭૭ કિ.ગ્રા. ખાદ્યતેલનો તથા ૮૩૩ અલગ-અલગ ખાદ્યચીજ વસ્તુઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આમ, ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ ૨૩૩ પેઢીમાંથી જરૂરી ખાદ્યચીજોના ૨૬૦ જેટલા નમૂના લેવામાં આવ્યા. જે નમૂનાઓ તપાસ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.