ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા સૈન્ય તણાવનો અંત આવવા જઈ રહ્યો છે. સોમવારે ભારતીય પક્ષ અને મંગળવારે ચીની પક્ષના નિવેદનોથીખબર પડે છે કે લદ્દાખના દેપસાંગ અને ડેમચોકની સ્થિતિને લઈને વણઉકલ્યા વિવાદ પર પણ ભારત અને ચીન વચ્ચે સહમતિ સધાઈ છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ સંકેત આપ્યા કે આ બંને ક્ષેત્રોમાં પણ બંને પક્ષ પોતપોતાની સેનાઓને એપ્રિલ ૨૦૨૦ પહેલાંની સ્થિતિ પર લઈ જવા અને ચીનના નિયંત્રણવાળા વિવાદાસ્પદ વિસ્તારોમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ પર સહમત થઈ ગયા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આવનાર થોડા દિવસોમાં આ ક્ષેત્રોમાંથી ચીની સેનાની વાપસીનું કામ પૂરું થઈ જશે. અસલમાં આ વિવાદ જૂન ૨૦૨૦માં ગલવાનમાં ચીની સૈનિકો દ્વારા પરસ્પર સહમતિના નિયમોને તોડીને નિઃશસ્ત્ર ભારતીય સૈનિકો પર દગાબાજીથી કરવામાં આવેલા હુમલાથી શરૂ થયો હતો. અચાનક થયેલા આ શરમજનક ચીની હુમલામાં ભારતના ૨૦ જવાનો બલિદાન થઈ ગયા હતા. જોકે ભારતીય સેનાની ત્વરિત અને જડબાતોડ જવાબી કાર્યવાહીથી તેનાથી ક્યાંય મોટી સંખ્યામાં ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા, પરંતુ ચીની સેના અને ના તેની સરકારે આજ સુધી પોતાના મૃતક સૈનિકોની સંખ્યા જાહેર નથી કરી.
ગલવાનમાં હિંસક અથડામણ બાદ બંને દેશોએ જેટલા મોટા પાયે આખા લદ્દાખમાં સેનાઓ અને યુદ્ઘ સામગ્રીની તૈનાતી કરી, તેણે કોઈ મોટા યુદ્ઘની આશંકાને ઉત્તેજન આપ્યું હતું. યુદ્ઘના આ ખતરાને ટાળવા માટે છેલ્લા ચાર વર્ષોમાં બંને પક્ષોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ, કૂટનીતિજ્ઞો અને વિદેશ મંત્રી સુધીના સ્તર પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો હતો. કેટલાંક ક્ષેત્રોમાં સહમતિ પણ બની ચૂકી હતી, પરંતુ દેપસાંગ અને ડેમચોક પર ચીનના અડિયલ વલણને કારણે કોઈ ઠોસ હલ નહોતું નીકળી શકતું. એ સાચું કે છેલ્લા બે દિવસની ઘોષણાઓએ એશિયાની બે મોટી શક્તિઓમાં વધી રહેલા તણાવ અને વિવાદ ઠંડો પડવાની આશા વધારી છે, પરંતુ પરસ્પર સંધિઓ અને સહમતિઓ પ્રત્યે ચીનના જૂના ઇતિહાસને જોતાં ભારતમાં વિશ્લેષકોનો એક મોટો વર્ગ એમ માને છેકે ચીન સાથે બનેલ સહમતિનું સ્વાગત તો કરવું જોઇએ, પરંતુ સતર્કતામાં કોઈ ઢીલ ન રાખવી જોઇએ. આ ચેતવણી એટલા માટે પણ અર્થપૂર્ણ છે કે ચીન સરકાર કેટલીય વાર કંઇક તાત્કાલિક લ-યોને હાંસલ કરવા માટે કેટલાક મોટા વિવાદો પર પોતાની સહમતિ તો વ્યક્ત કરી દે છે, પરંતુ એ લ-યો પૂરાં થતાં જ તે પોતાના જૂના ચીલે ચાલવા લાગે છે. સીમા પર નિરીક્ષણને લઈને સહમતિ બનવા સંબંધી ઘોષણાને શંકાની દૃષ્ટિએ જોવાનું એક કારણ એ પણ છે કે આ અઠવાડિયે ચીની સરકારની નજર રશિયામાં થઈ રહેલ બ્રિક્સ સંમેલનની સફળતા અને તેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની સીધી વાતચીત પર પણ છે.
ભારત અને ચીન વચ્ચે બનેલ હાલની સહમતિના કેટલાક એવા અર્થ પણ છે, જે બંને દેશોના સંબંધોમાં કોઈ નવાં સમીકરણો અને નવા નિયમોને રેખાંકિત કરે છે. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ઘ બાદ આ પહેલો પ્રસંગ રહ્યો, જ્યારે ચીન સરકારને નવી દિલ્હીમાં એક નવા પ્રકારની સરકારનો મુકાબલો કરવો પડ્યો. છ દાયકાની આ અવધિમાં પહેલા પાંચ દાયકામાં ચીનને નવી દિલ્હીમાં પોચટ સરકારો અને કમજોર નેતાઓ પર ધમકીઓ ચલાવવાની આદત પડી ગઈ હતી. કૂટનીતિની મેજ પર અર્થહીન વાર્તાઓમાં વિરોધીને ગૂંચવી રાખીને તેને થકવી દેવા અને પોતાની મરજીની સમજૂતિઓ પર તેનો અંગૂઠો લેવા પર મજબૂર કરી દેવાની તેની જૂની ચાલ મોદી સરકારે આ વખતે નિષ્ફળ કરી દીધી. વારંવાર ભારતીય સીમાઓમાં છેડછાડ કરવા ટેવાયેલી ચીનની હાલની સરકારને એ જોઈને બહુ આઘાત લાગ્યો કે ભારત સરકાર અને તેની સેના તેની પોકળ ધમકીઓથી ડરવાને બદલે છાતી ઠોકીને તેની હેકડીનો જવાબ આપી રહી છે.