Atkot, તા. 29
બી.પી.સી.એલ. કંપનીના પેટ્રોલ પંપની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં બાયો ડીઝલ કૌભાંડ ચાલતું હતું.જ્યાં ફેબ્રુઆરી મહિનામાં મામલતદાર અને પુરવઠા વિભાગે દરોડો પાડી જથ્થો સીઝ કર્યો હતો. આટકોટ પોલીસ મથકે મામલતદાર મહેશકુમાર ધીરજલાલ દવેએ સાણથલીના આરોપી અરવિંદ મનુ ધડુક (ઉં. વ. 57) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડની તજવીજ કરી હતી.
જસદણ મામલતદાર મહેશકુમાર ધીરજલાલ દવેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.29/2/2024 ના રોજ ક.આટકોટની ગોંડલ ચોકડી પાસે, બાપાસીતારામ હોટલની પાછળ, બી.પી.સી.એલ. કંપનીના સત્યસાઈ પેટ્રોલ પંપની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં મામલતદાર અને પુરવઠાની ટીમે દરોડો પાડી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીનો જથ્થો સીઝ કર્યો હતો. જેના સેમ્પલ એફએસએલ મોકલતા આ પ્રવાહી બાયોડીઝલ હોવાનું જણાતાં ગુનો આટકોટ પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-3,7 તથા પેટ્રોલીયમ એકટ 1934 ની ક.23(1)એ,(2) મુજબ ગુનો દાખલ કરવા કાર્યવાહી કરી હતી.
આરોપીએ ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણના બીલ આધાર વગર તેમજ એકસપ્લોઝીવ લાઇસન્સ વગર તથા ફાયર એકસ્ટીગ્યુસર લગાવ્યા વગર કે અન્ય કોઇ અગ્નિશામક સાધનોની વ્યવસ્થા વગર તેમજ ગુજરાત રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું એપ્રુવલ મેળવ્યું નહોતું. ઉપરાંત દૈનિક ખરીદ વેચાણનું સ્ટોક રજીસ્ટર નિભાવ્યુ નહોતું.
ભેળસેળયુકત પેટ્રોલીયમ પદાર્થને પરીવહન હેતુ માટે તેમજ અનઅધિકૃત રીતે વેચાણ કરવાના ઉદેશથી ખુલ્લા પ્લોટમાં એક નોઝલ સાથે જોડાયેલ ડિસ્પેચીંગ યુનિટ ઈન્સ્ટોલ કરી જેના પર રાજબાયો ડિઝલનુ લેબલ પ્રદર્શિત કરી આ ખુલ્લા પ્લોટમા એક અંન્ડર ગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક વડે બાયોડીઝલના ભળતા નામે અન્ય કોઇ પેટ્રોલીયમ પ્રોડકટની ભેળસેળ કરી હતી. જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી બાયોડીઝલ 4,000 લીટર જેની કિમત રૂ.2,88,000 થાય છે તે કબ્જે કરાયું છે.