રાજકોટ, તા. 30
રાજકોટ મહાપાલિકાની સ્ટે.કમીટીની આજે મળેલી મીટીંગમાં 13.80 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. ધનતેરસે મળેલી મીટીંગમાં રસ્તા, ડીઆઇ પાઇપલાઇન જેવા પ્રાથમિક સુવિધાના કામો માટે 8 કરોડનો ખર્ચ બહાલ કરાયાનું ચેરમેને જણાવ્યું હતું.
એજન્ડા પરની 49 પૈકી 47 દરખાસ્ત મંજૂર કરાઇ હતી. રેસકોર્સમાં બોકસ ક્રિકેટ નામંજૂર કરાયું હતું અને રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટની દરખાસ્તમાં રી-ટેન્ડરનો આદેશ કરાયો હતો.
આજે મંજૂર થયેલા કામો અંગે માહિતી આપતા ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે વોર્ડ નં.18માં ઢેબર રોડ નહેરૂનગરથી રાજકમલ ફાટક સુધીના રસ્તે 2.48 કરોડ અને વોર્ડ નં.2 મોચીનગર હોલ સામે 12 મીટરનો ટીપી રોડ સીસી રોડ બનાવવા 2.69 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
વોર્ડ નં.13માં વાવડી-કોઠારીયા રોડ પર ડીઆઇ પાઇપલાઇન માટે 2.89 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.18 કોઠારીયાના ગાર્ડનના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા 38.49 લાખ અને વોર્ડ નં.11ના ટીપીના પ્લોટમાં દિવાલ બનાવવા 73 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
વોર્ડ નં.10 કાલાવડ રોડ પર જડ્ડુસ બ્રીજ નીચે મોડર્ન ટોયલેટ માટે 23.25 લાખ અને વોર્ડ નં.1 રામાપીર ચોક બ્રીજ હેઠળ મોડર્ન ટોયલેટ માટે 31.90 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.3 બેડીનાકામાં નવી ડ્રેનેજ વોર્ડ ઓફિસ માટે 1.22 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વોર્ડ નં.13 ગોકુલધામ અને વોર્ડ નં.14 લક્ષ્મીવાડીમાં આંગણવાડી માટે 39.83 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
વોર્ડ નં.4 સેટેલાઇટ ચોક રોડ અને વોર્ડ નં.5 નવાગામ મેઇન રોડ અને સ્મૃતિવન રોડના ડિવાઇડરમાં સેન્ટ્રલ એલઇડી માટે 32.75 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. શિક્ષણ સમિતિના હમાલોના વેતનમાં 47 લાખનો વધારો મંજૂર કરાયો છે.
તો વોર્ડ નં.11 કણકોટ રોડ તથા પાળ રોડ પર સેન્ટ્રલ ડિવાઇડર માટે 63.35 લાખ મંજૂર કરાયા છે. જુદા જુદા કર્મચારીઓને તબીબી સહાય પેટે 19 લાખનો ખર્ચ પણ આજની મીટીંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો.