Mumbai,તા.૩૧
શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. શરદ પવારે કહ્યું કે ગુજરાતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ એન્ડ એરબસના ભાગો બનાવવાનો ઉદ્યોગ પહેલા મહારાષ્ટ્રમાં સ્થપાવાનો હતો. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ટાટાએ આયોજન બદલીને ગુજરાતમાં ઉદ્યોગની સ્થાપના કરી.
નાગપુર એમઆઇડીસી ક્ષેત્રમાં ૫૦૦ એકર જેટલી જમીન આ માટે પસંદ કરવામાં પણ આવી હતી. મનમોહનસિંહની સરકાર વખતે આ આયોજન થયું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે રતન ટાટાને આ ઉદ્યોગ ગુજરાતમાં લઇ જવા માટે દબાણ કર્યું હતું.
શરદ પવારે કહ્યું કે, જો આ પરિયોજના મહારાષ્ટ્રમાં આવી હોત તો હજારો નોકરીઓ ઉભી થઇ હોત. જ્યારે મોદીએ ફૉક્સકૉનને મહારાષ્ટ્ર માટે નક્કી થયેલો સેમીકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં લગાવવા કહ્યું તો મહારાષ્ટ્રમાંથી હજારો નોકરીઓ જતી રહી. વડાપ્રધાન કોઇ એક રાજ્યના નથી હોતા પણ આખા દેશ વિશે વિચારવાનું હોય છે.
શરદ પવારના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શરદ પવાર પર જૂઠ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના લોકોને ફરી એક વખત સત્ય જણાવવું જોઇએ જેથી ખોટી વાત લોકો સુધી ના પહોંચે. ફડણવીસે કહ્યું કે આ ઉંમરમાં જૂઠ ના બોલવું જોઇએ અને આજે જ્યારે મહારાષ્ટ્ર નંબર વન બની ગયું છે તો તે થોડા વધારે પરેશાન છે.
ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ભારતમાં સી-૨૯૫ સેન્ય પરિવહન વિમાન બનાવશે. વડોદરામાં એક પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ટાટાનું આ યૂનિટ ભારતમાં પ્રાઇવેટ સેક્ટરની પ્રથમ સેન્ય વિમાન નિર્માણ ફેક્ટરી છે.ટીએએસએલ ભારતમાં ૪૦ વિમાન બનાવશે જ્યારે ૧૬ વિમાન સ્પેનની એરબસ સીધા આપશે. આ ફેક્ટરીમાં વિમાન બનાવવાથી લઇને તેનું ટેસ્ટિંગ અને ડિલીવરીની પ્રક્રિયા પણ થશે. આ પ્રોજેક્ટમાં ભારત ઇલેક્ટ્રોનિંક્સ અને ભારત ડાયનેમિક્સ જેવી સાર્વજનિક કંપનીઓ અને પ્રાઇવેટ ક્ષેત્રની નાની-મોટી કંપની પણ સામેલ હશે.