Mumbai,તા.૩૧
અજય દેવગણ અને અનિલ કપૂરે દિવાળી પર તેમની ફિલ્મના પોસ્ટર શેર કર્યા છે. અજયની ફિલ્મ ’આઝાદ’ છે જેમાં તે ઘોડા પર સવારી કરતો જોવા મળે છે, જ્યારે પોસ્ટરમાં અનિલ કપૂર ગુસ્સામાં જોવા મળે છે. આ બંને ફિલ્મોના લુક્સ જાહેર થતાં જ ફેન્સમાં ઉત્સુકતા વધી ગઈ હતી.
સૌથી પહેલા વાત કરીએ અજય દેવગણની ફિલ્મ ’આઝાદ’ના પોસ્ટરની. આ ફિલ્મના પોસ્ટરમાં અજયનો ચહેરો દેખાતો નથી પરંતુ તે ઘોડા પર બેઠો જોવા મળે છે. આ પોસ્ટર રિલીઝ કરતાં અભિનેતાએ લખ્યું- ’દોસ્તીની કહાણી, વફાદારીની કહાણી, સ્વતંત્રતાની કહાણી. આ જાન્યુઆરી ૨૦૨૫માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. રવીના ટંડનની દીકરી રાશા થડાનીની આ ડેબ્યૂ ફિલ્મ છે, જ્યારે અજયનો ભત્રીજો અમન પણ તેમાં હશે.
અનિલ કપૂરે ફિલ્મ ’સુબેદાર’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જેનો એક્ટરે ફોટો શેર કર્યો હતો. આમાં અનિલ ગુસ્સામાં જોવા મળે છે. આ એક્શન-ડ્રામા ફિલ્મમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુરેશ ત્રિવેણી કરી રહ્યા છે. અગાઉ સુરેશ ત્રિવેણીએ ’જલસા’ અને ’તુમ્હારી સુલુ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
’સુબેદાર’માં અનિલ કપૂર સાથે રાધિકા મદાન પણ છે. આ ફિલ્મમાં રાધિકા અનિલ કપૂરની દીકરી શ્યામાનું પાત્ર ભજવતી જોવા મળશે. સુબેદાર અર્જુન મૌર્યની કહાણી ’સુબેદાર’માં બતાવવામાં આવ્યું છે કે, તે વિવિધ સંજોગો વચ્ચે જીવન જીવવાના પડકારો સાથે સંઘર્ષ કરે છે અને તે કેવી રીતે તેની દીકરી સાથેના સંબંધોને મેનેજ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક સમયે દેશ માટે લડનાર સૈનિકને હવે પોતાના ઘર અને પરિવારની સુરક્ષા માટે પોતાના આંતરિક દુશ્મનો સામે લડવું પડશે. આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર આવશે.