સોની બજારમાં ભીડનો લાભ લઇ ગઠિયો કળા કરી ગયો : એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી
Rajkot,તા.31
રાજકોટ જિલ્લા કલેક્ટરના બંગલે રસોયા તરીકે નોકરી કરતી આધેડ મહિલા સોની બજારમાં ખરીદી કરવા ગયાં હતા ત્યારે થેલીમાં ચીરો પાડી ગઠીયાએ રૂ. 43 હજારની કિંમતના સોનાની લટની ઉઠાંતરી કરી લીધાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
ભગવતીપરામાં રહેતા અને જિલ્લા કલેક્ટરના બંગલે રસોયાનું કામ કરતા કસ્તુરબેન ગોપાલભાઇ સીંધવ નામની 52 વર્ષીય આધેડ મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું, મારા નણંદના દીકરી મીનાબેન તથા તેમના દીકરી દીવ્યાબેન એમ ત્રણેય લોકો સાંજના છ વાગ્યે સોની બજારમાં ખરીદી કરવા માટે ગયાં હતા. ત્યારે સોની બજારમાં નવાનાકા ચોક પાસે આવેલ રોનક જેવેલર્સમાં કાનમાં પહેરવાની સોનાની સેર (લટ)ની રૂ. 43 હજારમાં ખરીદી કરી હતી. જેના પૈસા દુકાને ચુકવીને આ સોનાની લટની જોડી બોક્ષમાં પેક કરીને મે મારી પાસે રહેલ થેલીમાં મુકેલ હતી અને ત્યાર બાદ હું તથા મારા નણંદના દીકરી મીનાબેન તથા તેની દીકરી દીવ્યા એમ ત્રણેય લોકો દુકાનેથી ઘરે જતા હતા. સોની બજારમાં ખુબ જ ભીડભાડ હોય અમે અંદાજિત 200 મીટર સુધી ચાલીને પ્રહલાદ ટોકીઝ પાસે પહોંચ્યા હતા.
સમગ્ર ઘટના અંગે મહિલાએ પુત્રને જાણ કરતા એ ડિવિઝન પોલીસમાં ચોરીની ફરિયાદ કરતા પોલીસે સીસીટીવી સહીતની ચકાસણી શરૂ કરી ગઠીયાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.