‘મુંજ્યા’ને ડિરેક્ટ કરનારા આદિત્ય સરપોતદાર જ આ ફિલ્મને પણ ડિરેક્ટ કરશે, ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટ શરૂ થશે
Mumbai, તા.૧
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ મેડોક ફિલ્મ્સની ફિલ્મોની સૌથી વધુ રાહ જોવાતી હોય છે અને આ ફિલ્મો સૌથી વધુ સફળ પણ થઈ રહી છે. તાજેતરમાં જ તેમની ‘સ્ત્રી ૨’ વર્ષની સૌથી વધુ સફળ ફિલ્મ બની ગઈ છે. મેડોક ખાસ તેના અલગ પ્રકારના સુપરનેચરલ યુનિવર્સ માટે જાણીતું છે. ત્યારે હવે તેમણે વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. મેડોકે જ્યારે ‘સ્ત્રી ૨’ લોંચ કરી ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજાને તેમની આગામી ફિલ્મ થામા વિશે વાત કરી હતી, હવે દિવાળી પહેલાં આ ફિલ્મની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. આ મેડોકની સુપરનેચરલ દુનિયાનું નવું પ્રકરણ છે. આ એક રોમેન્ટિક હોરર ફિલ્મ હશે, જેમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં હશે. જ્યારે આયુષ્યમાન ખુરાના પણ મોટા પડદે દર્શકોને ડરાવશે તેમજ મજા કરાવશે. ‘મુંજ્યા’ને ડિરેક્ટ કરનારા આદિત્ય સરપોતદાર જ આ ફિલ્મને પણ ડિરેક્ટ કરશે. ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટ શરૂ થશે. આ ફિલ્મની કાસ્ટમાં પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી સહિતના કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ મડોકના જાણીતા અને લોકપ્રિય લેખક નિરેન ભટ્ટ દ્વારા જ લખવામાં આવી છે. તેમની સાથે લેખનમાં સુરેશ મેથ્યુ અને અરુણ ફાલરા પણ જોડાયા છે જ્યારે આ ફિલ્મનું સંગીત પણ સંચિન જીગર દ્વારા આપવામાં આવશે. ‘થામા’ દિવાળી ૨૦૨૫ના દિવસે રિલીઝ થશે. આમ હોરર ફિલ્મના ફૅન્સ વધુ એક વખત ઉત્સાહમાં આવી ગયા છે.