Surat,તા.06
રાજ્યભરમાં રખડતા ઢોરના કારણે ઘણાં અકસ્માત થાય છે. ત્યારે વારંવાર ફરિયાદો મળતાં જ્યારે-જ્યારે તંત્ર દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. ત્યારે માલધારીઓ સાથેનો તણાવ સામે આવે છે. હાલ, સુરત નગર પાલિકા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ટીમ સતત કામ કરી રહી છે. ત્યારે સુરતના કાપોદ્રામાં રખડતી ગાયોને પકડવા ગયેલી ટીમની માલધારીઓ સાથે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા છે.
પાલિકાની ટીમ સાથે કરી માથાકૂટ
રખડતા ઢોરને પકડવા ગયેલી નગર પાલિકાની ટીમ સાથે માલધારીઓએ દાદાગીરી કરી હતી. કાપોદ્રા બ્રિજ પાસેથી ઢોર પકડનાર ટીમ બે ગાયોને પકડી રહી હતી, ત્યારે પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરી માલધારીઓ દોરડા કાપી ગાયોને ભગાડી રહ્યા હતાં. આ સાથે જ ઢોર પકડનારી ટીમ સાથે અણછાઝતું વર્તન કરતાં પણ જોવા મળ્યાં હતાં.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મુદ્દે ઢોર પકડવા આવેલી નગર પાલિકાની ટીમે પોલીસ સ્ટેશનમાં માલધારીઓ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાલિકાની ટીમની ફરિયાદ નોંધી દાદાગીરી કરનાર માલધારીઓની તપાસ હાથ ધરી છે.