Gandhinagar,તા.07 :
ગુજરાતનાં ઓટોમોટિવ સેક્ટરનું ઑક્ટોબરમાં વાહનોનું વેચાણ નવી સપાટીએ પહોંચ્યું હતું, આ મહિના દરમિયાન 2.94 લાખ એકમોનું વેચાણ થયું હતું. આ ગયાં વર્ષનાં સમાન મહિનાની સરખામણીએ 33.4 ટકાનો વધારો દર્શાવે છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ગુજરાતનાં ડેટા અનુસાર, રાજ્યનો દર રાષ્ટ્રીય સરેરાશને વટાવી ગયો છે, જે સમગ્ર ભારતમાં 20.65 લાખ એકમોના વેચાણ સાથે 32 ટકા હતો.
ફાડા ગુજરાતે તમામ વાહન સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધી છે. ખાસ કરીને ટુ-વ્હીલર્સમાં વાર્ષિક ધોરણે 40.6 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે રાષ્ટ્રીય સરેરાશને વટાવી ગયો હતો, જ્યારે પેસેન્જર વાહનોનાં વેચાણમાં 28.6 ટકાનો વધારો થયો હતો.
આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે, વાહનની ખરીદી માટેનાં તમામ શુભ દિવસો, જેમ કે દશેરા, દિવાળી, નવરાત્રી અને ધનતેરસ, ઑક્ટોબરમાં જ હતા. આ વાહનોનાં વેચાણમાં વધારો કરવામાં એક મુખ્ય પરિબળ હતું. અમે આગામી બે મહિનામાં વેચાણનાં આંકડામાં સાધારણ ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ.”
ફાડા અનુસાર, નવાં મોડલ અને સારી ઓફરોએ વાહનોનાં વેચાણમાં વધારો કર્યો હતો. કેટલાક ડીલરોએ એવો પણ અહેવાલ આપ્યો હતો કે તેમની એન્ટ્રી લેવલની કારનો સ્ટોક ઊંચી માંગને કારણે વેચાઈ ગયો હતો.
ફાડા-ગુજરાતના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું કે, “દશેરા અને ધનતેરસ ઓક્ટોબરમાં વાહનોનાં વેચાણમાં વૃદ્ધિના મુખ્ય કારણો હતાં, જેણે ટુ-વ્હીલર અને કારનાં ડીલરો માટે સારા સમાચાર આપ્યાં હતાં.”
તેમણે કહ્યું કે “ગ્રામીણ બજાર ખાસ કરીને ટુ-વ્હીલર અને પેસેન્જર વાહનોનાં વેચાણને ચલાવવામાં નિમિત્ત સાબિત થયું છે. રવિ પાક માટે વધેલાં લઘુત્તમ ટેકાના ભાવના રૂપમાં સરકારનાં સમર્થન અને સાનુકૂળ ચોમાસાએ ગ્રામીણ સેન્ટિમેન્ટ અને ખરીદશક્તિને મજબૂત બનાવ્યું જેનાથી, વેચાણને વધુ વેગ મળ્યો છે.
ફાડાએ જણાવ્યું કે દેશમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં અંદાજિત 4.8 મિલિયન લગ્નો થવાના છે, લગ્નની સિઝન દ્વિચક્રી વાહનો અને પેસેન્જર વાહનો બંનેની માંગને ટકાવી રાખશે .