Gandhinagar,તા.07
દેશમાં અનેક ક્ષેત્રે મોડેલ બનેલા ગુજરાત હવે ગ્રીન હાઇડ્રોજનમાં પણ દેશનું અવલ્લ દરજ્જાનું રાજ્ય બનવા જઇ રહ્યું છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશની પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પોલીસી લાવી રહી છે અને તે નવા વર્ષમાં જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનું હબ બનાવવા અને તે રીતે પેટ્રોલ-ડીઝલ સહિતના ફોસીલ ફ્યુલ પરના રાજ્યનો આધાર ઘટાડાશે અને તે રીતે પર્યાવરણની દ્રષ્ટિએ ગુજરાત મોખરાનું રાજ્ય બનશે.
દેશમાં સોલાર અને વીંડ એનર્જીમાં ગુજરાત નંબર-1 છે અને હવે કેન્દ્ર સરકારે 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત પ્રથમ તબકકે પોલીસી જાહેર કરીને રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે પ્રોત્સાહન જાહેર કરશે. ગુજરાત પ્રથમ તબકકે કેન્દ્રના કુલ લક્ષ્યાંકના 50 ટકા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવા માગે છે.
ગ્રીન હાઇડ્રોજન એ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પાડવાની પ્રક્રિયા છે અને તે વિજળીની મદદથી કરાશે અને આ વિજળી રાજ્યમાં બિનપરપરાગત એટલે કે સોલાર અને વિંડ ઉર્જામાંથી મેળવાશે. ગ્રીન હાઇડ્રોજનને પર્યાવરણ માટે સૌથી સાનુકુળ ગણવામાં આવે છે અને તે કુદરતી ગેસ કરતાં પણ ઓછો કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે.
આ માટે ઉત્પાદકોને ખાસ પ્રોત્સાહન અને ટેક્સના લાભો આપવામાં આવશે. સરકારે તે માટે તૈયારી રાખી છે. જો કે તેમાં એક માપદંડ એવો રખાયો છે કે કોઇપણ ઉત્પાદકો તેના ઉત્પાદન ક્ષમતામાં 50 ટકા ઉત્પાદન 5 વર્ષમાં અને 100 ટકા ઉત્પાદન 8 વર્ષમાં મેળવી લેવાનું રહેશે. પ્રથમ પાંચ વર્ષમાં કરવેરામાંથી ખાસ રાહત અપાશે.
સરકારે આ માટે રૂા.બે લાખ કરોડનું ખાસ બજેટ તૈયાર રાખ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમયે ચાલુ વર્ષે આ અંગે સરકારે કરાર કર્યા હતા. આ અંગેના એક શ્ર્વેત પત્રમાં ગુજરાત ક્લાઇમેટ વિભાગ દ્વારા ખાસ ઉલ્લેખ કરાયો હતો.
રુફટોપ એટલે કે સોલાર એનર્જી મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમનું રાજ્ય છે. કેન્દ્ર સરકારે 2050 સુધીમાં કાર્બન ડાયોક્સાઇટનું પ્રમાણ જીરો કરવા જે લક્ષ્યાંક રાખ્યો છે તેને આ રીતે સફળતા મળશે. રાજ્ય સરકારે આ માટે પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના માર્ગે જઇ શકે છે.

