Mumbai,તા.07
બોલિવૂડના કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ફોન કરીને એક્ટરને ધમકાવવામાં આવ્યો છે. ઘણાં દિવસથી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. નોંધનીય છે કે, સલમાનને પણ એક પછી એક ધમકી મળી રહી છે, જેને લઈને એક્ટરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ પણ આ વિષય પર તપાસમાં લાગી ગઈ છે. જોકે, આ દરમિયાન સલમાન બાદ હવે શાહરૂખને પણ મારી ધમકી મળવાનું શરૂ થઈ ગયું છે.
ફોન કરી આપી ધમકી
મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ દરમિયાન તેની પાસે ખંડણી પણ માગવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ધમકીભર્યો ફોન રાયપુરથી ફૈઝાન ખાન નામના શખસે કર્યો છે. ફૈઝાન ખાને એક્ટરને ફોન પર ધમકાવી ખંડણી માગી હતી. જોકે, હજુ સુધી આ ખબરને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સિવાય એક્ટર અને પોલીસ તરફથી પણ કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે SP એ જણાવ્યું કે, પોલીસ ટીમ તપાસ માટે રાયપુર પહોંચી છે. પરંતુ, હજુ સુધી શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી તેની પુષ્ટિ નથી થઈ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હકીકત સામે આવી જશે.