Vadtal,તા.07
આજે વહેલી સવારે 7 નવેમ્બરથી વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો શંખનાદ સાથે પ્રારંભ થયો છે. આજથી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાં સંતો અને હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આજે વહેલી સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 5 હજાર મહિલાઓએ માથે કળશ અને પોથીયાત્રા લઇને જોડાઇ હતી. વડતાલ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા અને આ ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળોવાળા ૨ મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ, પોથીયાત્રામાં મીલેટરી તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
દેશ-વિદેશથી હરિભક્તો પધાર્યા
વડતાલમાં 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હૈદરાબાદના કુશળ કારીગરોએ 19210 સ્કવેર ફૂટનો વિશાળ મંડપ તૈયાર કર્યો છે. દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે વડાપ્રધાનથી લઈને મંત્રી, ધારાસભ્ય, ફિલ્મ અભિનેતાઓ અને નાનામાં નાના વ્યક્તિઓને હેતથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ મહોત્સવમાં વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિભક્તો ભારત આવી રહ્યા છે. જેમાં યુરોપ, ઈસ્ટ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, હોગકોંગ, ઓસ્ટ્રેલિયા, લંડન, ન્યુઝીલેન્ડ, દુબઈ વગેરેનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ આ 9 દિવસના મહોત્સવ દરમિયાન 25 લાખથી વધુ હરિભક્તો ઉમટશે એવું અનુમાન છે.

