એસઓજી ટીમે 62.72 ગ્રામ ડ્રગ્સ સાથે રામાપીર ચોકડીના પુલ નીચેથી પેડલરની કરી ધરપકડ
RAJKOT,તા.૭
રાજકોટ શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે રામાપીર ચોકડીના પુલ નીચેથી રોડ ઉપરથી ડ્રાઇવિંગ કરતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.39, રહે. રામાપીર ચોકડી લાભદીપ સોસાયટી શેરી નં.3 પરીશ્રમ સ્કુલની સામે)ને 62.72 ગ્રામના રૂ. 3,13,600 ના હેરોઇન /બ્રાઉન સુગર સાથે પકડી લીધો છે. અગાઉ બારેક વાર કેતન ઉધાસ -નેપાળ સરહદેથી યુપીના શખ્સ પાસેથી ડ્રગ્સની ખેપ મારી આવ્યાની કેફીયત આપી છે.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા સરકારના “સે નો ટુ ડ્રગ્સ” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચના મળી છે ત્યારે રાજકોટ એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ તથા ઉપેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા કેતન ઉઘાસને માદક પદાર્થ સાથે પકડી મોબાઈલ તથા રોકડ રકમ પણ કબ્જે કરી ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
રામાપીર ચોકડીના પુલ નીચેથી કેતન ઉધાસ નામના શખ્સને 62.72 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે પકડી પાડ્યો છે જેની કિંમત રૂ. 3.13 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત તેની પાસેથી રૂ. 10,000 નો મોબાઈલ અને રૂ. 1300 ની રોકડ સહિત રૂ. 3,24,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટમાં ડ્રગ્સના દૂષણ ઉપર એક બાદ એક દરોડા પાડી રહેલા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ વધુ એક પેડલરને પકડી પાડતાં બંધાણીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કેતનની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેણે બારેક વખત ભારત-નેપાળ સરહદેથી આ પ્રકારને ડ્રગ્સની ખેપ મારી હતી.