Rajkot, તા.8
કેન્દ્ર સરકાર દ્વારા MSME ઉત્પાદક નિકાસકારો માટે નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર ઇન્ટરેસ્ટ એકવીલાઇઝેશન સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત નિકાસકારો દ્વારા કરવામાં આવેલ પ્રી અને પોસ્ટ શીપમેન્ટ નિકાસ માટે લેવાયેલ લોન અંતર્ગત વ્યાજ સહાય ચુકવવામાં આવે છે. આ સ્કિમની સમય મર્યાદા તા.31-12-2024 માં સમાપ્ત થશે. પરંતુ આ સમયગાળો ખુબ જ ઓછો હોવાથી નિકાસકારો માટે ઘણી બધી સમસ્યાઓ ઉદભવી રહી છે.
ખાસ કરીને સપ્લાય ચેન, ચલણની વધ ઘટ, ડોક્યુમેન્ટસની જટીલતા, સરકારની મર્યાદા, દસ્તાવેજની જટિલતા, આર્થિક અનિશ્ચિતતા, વૈશ્વીક સ્પાર્ધાત્મકતા અને ખાસ કરીને વૈશ્વિક યુધ્ધના જોખમો વિગેરેનો સામનો કરવો પડી રહ્યો છે. હાલના પરીપત્ર મુજબ આ સ્કિમ અંતર્ગત નાણાંકીય વર્ષ 2024-25 ના ડિસેમ્બર-2024 સુધીમાં રૂ.50 લાખની મર્યાદા રાખવામાં આવેલ છે. પરંતુ નિકાસકારોને વેગ મળી રહે અને તેઓને પ્રોત્સાહન આપવા અને નાણાકીય તણાવને દૂર કરવા માટે ઇન્ટરેસ્ટ એકવીલાઇઝેશન સ્કીમ ખુબ જ મહત્વની ભુમિકા ભજવે છે.
ત્યારે અગાઉના જુના નોટીફિકેશન મુજબ જે રૂ.2 કરોડની મર્યાદા હતી તે મુજબ યથાવત રાખવી તેમજ આ સ્કિમની મુદત 5 વર્ષ સુધી લંબાવવી ખાસ જરૂરી છે. જેથી કરીને દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ ટ્રીલીયન ડોલર ઈકોનોમી વિઝનને સાર્થક કરવામાં મદદરૂપ થઈ શકશે.
વધુમાં ઇન્ટરેસ્ટ એકવીલાઇઝેશન સ્કીમ અંતર્ગત મળવાપાત્ર વ્યાજ સહાયની વર્તમાન મર્યાદા જે 3% છે તેને વધારી 5% કરી આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલને રજુઆત કરવામાં આવી છે.