RAJKOT,તા.08
શહેરમાં દિવાળીના તહેવારોમાં તસ્કરો ત્રાટક્યાંનો બનાવ સામે આવ્યો છે. નાના મૌવા રોડ નજીક દેવનગરમાં રહેતો પરિવાર રજાના દિવસોમાં રાજસ્થાન ફરવા ગયો હતો તે દરમિયાન બંધ પડેલા મકાનમાં તસ્કર ત્રાટક્યો હતો.
ઇન્ટરનેટ બ્રોડબોન્ડ સર્વિસનું માર્કેટીંગ કરતા રાહુલભાઈ રમેશભાઈ દાફડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દિવાળીની રજા દરમિયાન ગત તા. 4 નવેમ્બરના રોજ બપોરે બે વાગ્યે હું તથા મારા પિતા રમેશભાઇ, માતા દેવુબેન, પત્ની કોમલબેન, ભાઇ કરણ સહીત તમામ પરિવારજનો રાજસ્થાન ફરવા માટે મીનીબસમાં ગયેલ હતા. 8 ઓક્ટોબરના રોજ રાત્રીના એકાદ વાગ્યાં આસપાસ ઘરે પહોંચતા હોલ માં પડેલ પતરાની તીજોરી તથા અમારા રૂમમાં રહેલ તીજોરી તુટેલ હાલતમાં જોવા મળી હતી. જે તિજોરીમાં તપાસ કરતા પત્નીની સોનાની વીટી જેની કિંમત રૂ.૧૫,૦૦૦, ચાંદીનો કંદોરો કિમત રૂ.૧૯,૦૦૦, ગલ્લાના ૪૦,૦૦૦ રૂપીયા રોકડા મળી આવ્યા ન હતા. હોલની તીજોરીમાં તપાસ કરતા સોનાના જુના પાટલા કિમત રૂ. ૨૦,૦૦૦, સોનાની જુની વીંટી જેની કિંમત રૂ.૪, ૦૦૦, ચાંદીની જુની જાંજરી કિંમત રૂ.૧૫,૦૦૦ મળી આવેલ ન હતા. એમ કુલ રૂ. 1.13 લાખની માલમતા મળી આવી ન હતી.
આ મામલે ફરિયાદીએ પાડોશીના સીસીટીવી કેમેરામાં ચેક કરતા તા. 7 નવેમ્બરના રોજ વહેલી સવારના ચારેક વાગ્યે કોઈ અજાણ્યો શખ્સ ઘર પાસે રેકી કરી નીકળીને ચોરી કરી ગયો હોય તેવું જોવા મળ્યું હતું. મામલામાં માલવિયાનગર પોલીસના પીએસઆઈ એસ.એ.સિંધીએ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.