Bhuj,તા,11
ગાંધીધામ: ગંભીર ઈતિહાસ ધરાવતા ગુનેગારોને સમાજના મુળ પ્રવાહમાં પરત લાવવા તેમજ ગુનાખોરી પ્રવૃતિ તરફ ફરીથી ન વળવાના આશય સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ- ધાડ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને એક છત્ર નીચે બોલાવી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે સમજ આપી હતી. પોલીસ વડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, હવે જો આવી ફરીથી ગુનાખોરી પ્રવૃતિમાં ભાગ લેશો તો ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધાશે એટલું જ નહીં કોઈ રીપીટ ગુનો કરશે તો તેમના જામીન રદ કરવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા કરાશે.
‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તેવી ઉક્તિને સાર્થક કરવા અને ગુનાહિત કૃત્યોને અટકાવવાની દિશામાં વધુ એક સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની દિશામાં પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા ગાંધીધામ તાલુકાના શિણાય પોલીસ હેડ કર્વાટર ખાતે લૂંટ, ધાડ, ખુન, હત્યાનો પ્રયાસ સહિતના આરોપીઓની ઓળખ ઈન્ટ્રોગેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ વડાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પાંચ વર્ષથી મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને અહિં બોલાવાયા છે. પાંચ વર્ષના ગુનાહિત ઈતિહાસ ધરાવતા તેવાઓની પુછપરછ અને વ્યવહાર જાણવા જરૂરી છે. પોલીસ વડાએ સમજણ આપી તાકિદ કરી હતી કે, વારંવાર તેઓ ગુના કરતા હોય, સંગઠીત ગુના આચરતા હોય તો તેમની સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.અને કોઈ રીપીડેટ ગુનાઓ આચરનારા હશે તો તેમના જામીન રદ કરાવાની પ્રક્રીયા ચાલુ થઈ ગઈ છે અને કોર્ટમાથી પણ સહકાર મળી રહ્યો છે. ગુનાખોરી આરોપીઓના પરિવાર માટે સારી બાબત નથી.
શિણાય ખાતે પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકે નોંધાયેલા ગંભીર ગુનાઓના આરોપીઓને બોલાવાયા હતા. સ્થાનિક પોલીસ મથક દ્વારા આવા આરોપીઓ સામે સમયાંતરે વોચ રખાતી હોય છે પણ ફરીથી તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃતિમાં ન જોડાય તેવો આશય પોલીસનો હતો.
વધુમાં, જો આરોપીઓ વારંવાર ગુનાઓ આચરશે તો તેઓની સામે સરકાર તરફથી અપાયેલા કાયદાઓમાં ગુજસીટોક જેવી જોગવાઈ છે. જેમાં કોઈ ગેંગ હાય કે જે સંગઠિત રીતે કૃત્યો આચરતા હોય તેમના પર ગુજસીટોકનો કાયદો લાગી શકે છે. હાજર રહેલા આરોપીઓ પૈકી અમુક જણાએ પોતાના અનુભવ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા. સમગ્ર આયોજનમાં ૧૭૦ ચીલ ઝડપનાં આરોપી, ૧૯૩ ખૂનની કોશિષનાં આરોપી અને લૂંટ, ધાડનાં ગુનાના ૨૨ સહીત કુલ ૩૮૫ આરોપી હાજર રહ્યા હતા. જેમાં તમામ આરોપીઓનાં રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝીયર્સ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આ ઈન્ટ્રોગેશન કાર્યક્રમમાં પ્રોબેશન ડીવાયએસપી પરેશ રેણુકા અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા એલસીબી પીઆઈ એન એન.ચુડાસમા સાયબર પીઆઈ સહિત પોલીસ મથકોના પી.આઈ. પીએસઆઈએ હાજરી આપી હતી.