Rajkot, તા.11
ત્રણ દીકરીઓ પછી પુત્રને જન્મ આપનાર માતાનું 16માં દિવસે અચાનક શ્વાસ ચડતા મોત નીપજ્યું હતું. કણકોટ રોડ લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતો પરિવાર પુત્ર પ્રાપ્તિના આનંદમાં હતો તે સમયે જ ઘરમાં શોક છવાયો હતો. ચાર સંતાનો માઁ વિહોણા થતા ભારે કલ્પાંત છવાયો છે.મળતી વિગત મુજબ, કણકોટ રોડ લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતાં કુસુમબેન હિતેશભાઈ પરમાર (ઉ.વ.35)ને સંતાનમાં ત્રણ દીકરીઓ છે.
એ પછી તેઓએ ચોથીવાર ગર્ભ ધારણ કરેલ. દરમ્યાન પ્રસુતિની પીડા ઉપડતા રાજકોટના મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડાયા હતા. જ્યાં કુસુમબેને ચોથા સંતાન તરીકે તા. 25/10/2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. ચાર દીકરીઓ બાદ કુલદીપકનો જન્મ થતા પરિવાર ઈશ્વરનો આભાર આભાર માની રહ્યો હતો. પુત્ર રત્નની પ્રાપ્તિથી પરિવારમાં ખુશીઓ છવાઈ હતી.
કુસુમબેનને હોસ્પિટલમાંથી રજા અપાતા માતા – પુત્રને ઘરે લાવવામાં આવ્યા હતા. જોકે પુત્રણા જન્મ બાદથી કુસુમબેનની તબિયત નાદુરસ્ત રહેતી હતી. આ દરમિયાન પ્રસુતિ બાદ 16માં દિવસે ગઈકાલે રાત્રિના કુસુમબેન પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ ચડતાં બેભાન ગયા હતા. તાકીદે તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. તેણીને સંતાનમાં ત્રણ પુત્રી છે. અને હજુ 15 દિવસ પહેલા જ પુત્રનો જન્મ થતાં તેનાં પરિવારમાં ખુશી છવાઈ હતી. પિતા દિવ્યાંગ છે ત્યારે હવે માતાના મોતથી ચાર સંતાનો નોંધારા બન્યા છે. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.