Rajkot,તા,11
ગુજરાત અને દેશમાં પ્રતિષ્ઠા ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્કની વિવાદાસ્પદ બની ગયેલી ચૂંટણીમાં આજે સંસ્કાર પેનલે ગુજરાત હાઈકોર્ટમાં પુર્વ ચેરમેન કલ્પક મણીયાર સહિત ચાર સભ્યોને ગેરલાયક ઠરાવવા અને તેમનો ઉમેદવારી પત્રકો રદ કરવા મુદે આજે હાઈકોર્ટના જસ્ટીસ દેવેન દેસાઈની કોર્ટમાં થયેલી પ્રાથમીક સુનાવણીમાં હવે તા.14ના રોજ સહકાર પેનલને તેનો પક્ષ રજુ કરવા જણાવ્યુ છે.
આ ઉપરાંત ચૂંટણી અધિકારી તરીકે જીલ્લા કલેકટરે પ્રભવ જોષીને પણ સોગંદનામુ કરવા આદેશ આપ્યો છે અને વધુ સુનાવણી હવે ગુરુવારે યોજાશે. બેન્કના પુર્વ ચેરમેન કલ્પકભાઈ મણીયાર અને તેમના ભાઈ મિહિર મણીયાર તથા હિમાંશુ ચીનાઈના ફોર્મ ડયુલ મેમ્બરશીપના મુદા પર કલેકટરે રદ કર્યા હતા. આ તમામ રાજકોટ નાગરિક સહકારી બેંક ઉપરાંત અન્ય સહકારી બેન્કમાં પણ સભ્ય હોવાથી તેઓ ગેરલાયક ઠરે છે.
તેવું તારણ ચૂંટણી અધિકારી તરીકે જીલ્લા કલેકટર એ આપતા આજે ઉઘડતી હાઈકોર્ટે સંસ્કાર પેનલના વતી આ ઉમેદવારોએ કરેલી રીટમાં ઉમેદવારીપત્રકોને રદ કરવા સામે દલીલો સાથે દાદ માંગી હતી. જો કે નાગરિક બેન્કની સહકાર પેનલે અગાઉજ હાઈકોર્ટમાં કેવીયેટ દાખલ કરી હતી તેથી જસ્ટીસ દેસાઈએ તેમને સાંભળવા તથા ચૂંટણી અધિકારી તરીકે જીલ્લા કલેકટરને પણ સોગંદનામુ કરવા આદેશ આપ્યો હતો.
બેન્કમાં તા.17ના રોજ મતદાન હાથ ધરાવવાનું છે તેથી તા.14થી સુનાવણીમાં હવે હાઈકોર્ટે કોઈ આદેશ આપે છે કે કેમ તેના પર સૌની નજર છે. સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણીયાર સહિત 4 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તેમાં જે ડયુલ-મેમ્બરશીપનો મુદો છે તેમાં સંસ્કાર પેનલની દલીલ છે કે સહકારી ક્ષેત્રમાં આ સામાન્ય છે અને વાસ્તવમાં સહકાર પેનલના જે ઉમેદવાર છે તેમાં પણ અનેક ઉમેદવારો આ પ્રકારે ડયુલ-મેમ્બરશીપ બેવડુ સભ્યપદ ધરાવે છે.
એટલું જ નહી જે ડેલીગેટ છે જે મતદાનનો અધિકાર ધરાવે છે તેઓમાં પણ ઓછામાં ઓછા 80 ડેલીગેટ- વિજય બેંક સહિતની સહકારી બેન્કોમાં સભ્યપદ ધરાવે છે. જો મતાધિકાર ધરાવતા સભ્યો બેવડું સભ્યપદ ધરાવતા હોય તો ઉમેદવારને પણ તેવો હકક છે. આ અંગે હવે સહકાર પેનલ પોતાનો પક્ષ રજુ કરશે જયારે જીલ્લા કલેકટર પોતાનું સોગંદનામુ રજુ કરશે.
જેના પરથી હવે હાઈકોર્ટ નિર્ણય લેશે. હાઈકોર્ટ આ અંગે હવે સહકારી કાનૂનની વિસ્તૃત છણાવટ કરવાની તૈયારી કર્યાના સંકેત છે. જેમાં કેન્દ્રીય સહકારીતા મંત્રાલય- રાજય સહકારીતા મંત્રાલયને પણ પક્ષકાર બનાવ્યા છે અને તેઓને ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેન્કને પણ પક્ષકાર બનાવ્યા છે અને તા.14ના તેઓ અદાલતની નવી સુનાવણી સુધી તમામ સંભવિત પક્ષકારોને ચુંટણી પ્રક્રિયામાં કોઈ રીતે કોઈ નિર્ણય નહી લેવા કે આગળ નહી વધવા આદેશ આપતા હવે વ્યાપક કાનૂની જંગ સર્જાશે તેવા સંકેત છે.
આ અંગે બેન્કના પુર્વ અધિકારી તથા સંસ્કાર પેનલના કોઓર્ડીનેટર વિબોધ દોશીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્રો રદ થાય કે હાર જીત થાય તે અમારા માટે તેવી કોઈ મોટી ઘટના નથી. અમો અમારા અંતિમ લક્ષ્યથી વિચલીત થયા વગર બેંકને બચાવવા માટે સંકલ્પબદ્ધ છીએ.
અગાઉના દાયકાઓમાં જે રીતે બેન્કીંગ રુલ્સ એન્ડ રેગ્યુલેશન અચુક પાલન, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તમામ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ મુજબ જ કાર્યવાહી તેમજ બેન્કની તમામ નીતિરીતિનો આગ્રહ, નાના કે મોટા કોઈપણ નિર્ણયોમાં હરહંમેશ બેન્કના હિતની સર્વોપરીતા, નાના અને મધ્યમ માણસની બચત તેમજ થાપણોની સતત ચિંતા અને સુરક્ષા તે અમારા મૂળભૂત ઉદેશો તેમજ લક્ષ્યો છે.
ચુંટણીના પરિણામો બાદ પણ લોવર કોર્ટ કે હાઈકોર્ટમાં બેંકના કૌભાંડો વિરુદ્ધ કાનૂની જંગ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા સહીત તમામ સરકારી એજન્સીઓ સમક્ષ પુરાવાઓ સાથે સત્ય વાતની રજુઆતો પોલીસ ફરિયાદો, જન અભિયાનના કાર્યક્રમો, બેંકમાં નવા ચુંટાઈને આવનારા બોર્ડ ઓફ ડાયરેકટર્સ સમક્ષ ભારપૂર્વકની રજુઆતો તેમજ ચર્ચાઓ વગેરે જે જે થઈ શકે તે તમામ કરતા રહેશું.
સહકાર પેનલમાં પણ બેવડા સભ્યપદ! ડેલીગેટમાં 80% અન્ય બેન્કના સભ્ય
રાજકોટ: બેવડા સભ્યપદના મુદે રાજકોટ નાગરીક સહકારી બેન્કના પુર્વ ચેરમેન કલ્પક મણીયાર સહિત ચાર લોકોના ફોર્મ રદ થવા પર સંસ્કાર પેનલએ દાવો કર્યો છે. અમો પણ ધાર્યુ હોત તો આ મુદો સહકાર પેનલના કેટલાક ઉમેદવાર સામે ઉઠાવી શકયા હોત પણ અમો ચુંટણી નહી બેન્કના હિતની વધુ ચિંતા કરીએ છીએ.
આ અંગે બેન્કના પુર્વ અધિકારી તથા સંસ્કાર પેનલના ક્ધવીનર વિબોધ દોશીએ જણાવ્યું કે ડેલીગેટમાં પણ 80 જણા વિજય બેન્કમાં સભ્યપદ ધરાવે છે. આમ મતદારને જે અધિકાર છે તે ઉમેદવારને પણ હોઈ જ શકે છે અને તે ભૂમિકા પર જ અમો લડત આપી રહ્યા છીએ.