Rajkot, તા.11
રાજકોટ નાગરિક સહકારી બેંકની આગામી તા.17મીનાં યોજાનારી ચૂંટણીનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી જવા પામેલ છે. આ ચૂંટણીમાં મામા-ભાણેજ વચ્ચેના વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. બેંકના 21માંથી 6 ડિરેકટરોની બેઠક બીનહરીફ થયા બાદ હવે 15 બેઠક ઉપર 26 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
દરમ્યાન આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય સાંજ સુધીમાં આ ચૂંટણીનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ બની જશે. ગત શનિવારે નાગરિક બેંકની આ ચૂંટણીમાં સંસ્કાર પેનલના 6 જેટલા ઉમેદવારો સામે વાંધા-સુચનો રજૂ થતા અને આ મામલે કલેકટરની ઉપસ્થિતિમાં હીયરીંગ થવા પામેલ હતું.
જે બાદ ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશી દ્વારા સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણીયાર સહિતના ચાર ઉમેદવારોના નામાંકન પત્રો રદ કરી નાખવામાં આવેલ હતા જયારે સહકાર પેનલના સુરતના ઉમેદવારનું ફોર્મ પણ રદ થવા પામેલ હતું. આમ કુલ પાંચ ઉમેદવારોના ફોર્મ રદ થતા આ ચૂંટણીમાં નવો વણાંક આવી જવા પામેલ છે.
દરમ્યાન સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણીયારનું ઉમેદવારી ફોર્મ રદ થતા આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની જંગનું મંડાણ થવા પામેલ છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૂંટણી અધિકારીને જવાબ રજૂ કરવા તેમજ બેંકને પણ પક્ષકાર બનવા માટે ફરમાન કર્યુ છે. આ પ્રકરણમાં વધુ સુનાવણી આવતા ગુરૂવારે કરવામાં આવનાર છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે નાગરિક સહકારી બેંકની આ ચૂંટણી આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સહકાર પેનલના ડમી ઉમેદવારોએ બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચી લીધા હતા. જયારે જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. તેની ફાઈનલ યાદી ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ગત શનિવારે જ જાહેર કરી દેવામાં આવી હતી.
આ ચૂંટણીમાં કોણ કોને મહાત કરશે તે મુદ્દો સહકાર જગતમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બનવા પામેલ છે. જોકે રાજકોટના 196 ડેલીગેટો કયાં ઉમેદવારોને વિજયની માળા પહેરાવે છે? તેના તરફ હાલ મીટ મંડાયેલી છે. આ 15 બેઠકો માટે માટે યોજાનારી આ ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થવાની શકયતા પણ નકારી શકાતી નથી.