Ahmedabad,તા.12
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, PMJY યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેના કારણે બે દર્દીના મોત નિપજ્યાં છે. વિરોધ બાદ જવાબદાર તબીબો ઘટનાસ્થળેથી ગાયબ થઈ જતાં દર્દીઓ રઝળી પડ્યા હતાં. જેથી સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ દર્દીઓની સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી છે.
તબીબોની ગેરહાજરથી દર્દીઓ રઝળી પડ્યાં
સોમવારે (11 નવેમ્બર) રાત્રે આ ઘટના બનતાં દર્દીઓના પરિવારમાં રોષ ફાટ્યો હતો. દર્દીઓના પરિવારજનોએ હોબાળો કર્યાં બાદથી જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતાં રહ્યાં છે. હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તે દર્દીઓ તબીબોની ગેરહાજરીના કારણે રઝળી પડ્યાં હતાં. જેથી સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી છે.
સરકારી તબીબોની ટીમ પહોંચી ખ્યાતિ હોસ્પિટલ
આ વિશે વધુ માહિતી આપતાં PMJY હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીના મોતના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે. તપાસ દરમિયાન જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યાં છે તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓની જરૂર જણાશે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જીયોપ્લાસ્ટી અને એન્જીઓગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે. જેમાંથી કેટલાંને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.
વધુમાં યુ.ટી ગાંધીએ જણાવ્યું કે, PMJY ના નામે કરવામાં આવેલી છેતરપિંડીના દાવા વિશે હાલ ખ્યાતિ હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા સામે આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.
હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં
નોંધનીય છે કે, ગઈકાલથી થઈ રહેલાં આ હોબાળા વિશે ખ્યાતિ હોસ્પિટલ તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ સિવાય હજુ સુધી દર્દીઓના પરિવારજનોના આરોપોનું પણ ખંડન કરવામાં નથી આવ્યું. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન હજુ સુધી હોસ્પિટલ પહોંચ્યા નથી. આ સિવાય તેમની સાથે કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો.